નવી દિલ્હી: ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપના સુધીર મહેતા અને સમીર મહેતાનો દેશના ટોચના ૧૦ દાનવીરોની યાદીમાં સમાવેશ થયો છે. એડલગિવ અને હુરુન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં મહેતાબંધુઓ ૮૧ કરોડ રૂપિયાના દાન સાથે ૧૦મા ક્રમે છે. એડલગિવ અને હુરુન ઇન્ડિયાએ જારી કરેલી સુધારેલી યાદીમાં મહેતા બંધુઓનો ૧૦મા ક્રમે સમાવેશ કર્યો છે. અગાઉ આ યાદીમાં ૭૪ કરોડ રૂપિયાના દાન સાથે રાહુલ બજાજ પરિવારનો સમાવેશ થતો હતો.
આ યાદીમાં અઝીમ પ્રેમજી ૭,૯૦૭ કરોડ રૂપિયાના દાન સાથે ટોચના ક્રમે છે. યાદીમાં ટોચના પાંચ ગુજરાતીઓમાં મહેતાબંધુઓ બીજા ક્રમે છે. યાદીમાં સામેલ ગુજરાતીઓમાં નવમા ક્રમે ગૌતમ અદાણી (૮૮ કરોડ રૂપિયાનું દાન), ૪૫મા ક્રમે કેડિલા હેલ્થકેરના પંકજ પટેલ (૧૯ કરોડ રૂપિયાનું દાન), ૮૯મા ક્રમે નિરમાના કરસનભાઈ અને પરિવાર (૮ કરોડ રૂપિયા) તથા ૧૦૫મા ક્રમે એઆઇએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ અને પરિવાર
(૬ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર કરાયેલી યાદીમાં વિપ્રોના અઝીમ પ્રેમજી ટોચના દાનવીર જાહેર થયા હતા. તેઓ સરેરાશ રોજનું ૨૨ કરોડનું દાન કરતા હોવાનું બહાર આવ્યું છે.


