દેશના ૧.૬૯ લાખ ગામોની માટીમાંથી સાકાર થઇ છે ‘વોલ ઓફ યુનિટી’

Friday 16th November 2018 05:32 EST
 
 

કેવડિયા કોલોનીઃ નર્મદા નદીના રમણીય તટ પર આકાર પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રાષ્ટ્રાર્પણ પ્રસંગે વડા પ્રધાને દેશભરના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત થયેલી માટીમાંથી બનાવેલી ‘વોલ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યું હતું. 
આઝાદીની ચળવળ દરમિયાન સરદાર પટેલે ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. જેને લઈને દેશના ખેડૂતોએ તેમના ખેતીના ઓજારોના લોખંડના ટુકડા અને માટીનું દાન કરી સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોએ દેશના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત કરેલી જુદા જુદા રંગ, કદ અને ઘટક ધરાવતી માટીમાંથી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. માટીમાંથી બનેલી આ વોલ ખેડૂતોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આપેલા પ્રદાનનું પ્રતીક છે. માટીની આ દીવાલ દેશની જુદા જુદા સંસ્કૃતિઓમાં રહેલી એકતાનું પ્રતીક છે. વોલ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે પધારેલા વડા પ્રધાનનું વિવિધ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કલા મંડળોએ વિવિધતામાં એકતા સમા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter