અમદાવાદઃ ‘ભારતની પ્રતિષ્ઠા આજે પૂરાં વિશ્વમાં વધી છે. ભારતની સ્વીકૃતિ, સન્માન અને સહજતાનો અનુભવ દરેક દેશને થયો છે. ભારતની તાકાત વધી રહી છે. દેશને જેટલી ઊંચાઈ પર પહોંચાડીશું તેટલું ગૌરવ વધશે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અહીં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ આપ સૌનો આભાર. જ્યાં સુધી તમારા ચહેરા જોઉં નહીં ત્યાં સુધી મને કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. તમને મળ્યાનો આનંદ છે’ તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર આયોજિત વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું.
હ્યુસ્ટનમાં યોજાયેલી ‘હાઉડી મોદી’ સભામાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીના વિશાળ પોસ્ટર સાથેના સ્ટેજ પર વડા પ્રધાન મોદી ગુજરાતીમાં થોડું બોલ્યા બાદ હિન્દીમાં જ પંદર મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે આજે ભારતીય પાસપોર્ટની ઈજ્જત વધી છે. દુનિયા તેને ગર્વથી જુવે છે. સન્માન, સહજ અને અભિવ્યક્તિ વધી છે. ગુજરાતની માટીમાં તાકાત છે કે અહીંથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવું વ્યક્તિત્વ મળ્યું છે. બાપુ પ્રત્યે આખી દુનિયાને આદરભાવ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ કાર્યકરો અને લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને વડા પ્રધાનનું અભિવાદન કર્યું હતું.


