દેશમાં સૌ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં VVPATનો ઉપયોગ

Wednesday 10th May 2017 08:51 EDT
 

અમદાવાદઃ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી વખતે વોટર વેરિફિકેશન પેપર ટ્રેઈલ ઓડિટ (વીવીપેટ)થી સજ્જ હોય તેવા ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે. ઉલ્લેખનીય છે કે વીવીપેટનો સૌ પ્રથમ ઉપયોગ ગુજરાતમાં થશે. જોકે, ચૂંટણી પંચ દ્વારા આ અંગેની સત્તાવાર ઘોષણા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વખતે જ કરાશે. થોડા સમય અગાઉ પાંચ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને જેમાંથી ચારમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભાજપે મેળવેલા આ વિજય સામે અનેક પક્ષો દ્વારા આંગળી ચિંધવામાં આવી હતી. હરીફ પક્ષોનો એવો આક્ષેપ હતો કે ભાજપે ઈવીએમમાં ચેડાં કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આ પછી બેલેટ કે વીવીપેટથી ચૂંટણી યોજવાની માગ પણ પ્રબળ બની હતી. હવે તેના પગલે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ઈવીએમ વીવીપેટથી યોજાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આશરે ૫૦ હજાર બૂથ માટે ૭૫ હજાર કંટ્રોલ યુનિટ અને તેટલી જ માત્રામાં વીવીપેટ મશીનની જરૂર પડશે. વીવીપેટ સિસ્ટમમાં મતની નોંધણી બાદ મતદાતાએ પોતે કોને મત આપ્યો છે તેની જાણ કરતી કાગળની ચબરખી પર જોઈ શકે છે. થોડા સમય સુધી જોવા મળતી આ ચબરખીને સુરક્ષિત બોક્સમાં સીલ કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter