અમદાવાદ ખાતે ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ઉપક્રમે તા. ૨૫ જાન્યુઆરીના રોજ દેશ અને વિદેશ વચ્ચે સેતુ બની વિવિધક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપનાર વ્યક્તિવિશેષોનું "એનઆરઆઇ સેતુરત્ન" એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.
અમદાવાદ મેડિકલ હોલમાં મેયર બિજલબહેન પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યુ.કે., આફ્રિકા, અમેરિકા અને ન્યુઝીલેન્ડમાં સુગમ સંગીત અને બોલીવુડ ગીત -સંગીતક્ષેત્રે પ્રસંશનીય અનુદાન આપી ભારે લોકચાહના મેળવનાર માયા દીપકને "એનઆરઆઇ સેતુરત્ન એવોર્ડથી સન્માનિત કરાયાં છે. એમની સાથે સામાજિક અને મિડિયા ક્ષેત્રના સુનીલ હાલી, સમાજસેવા ક્ષેત્રના નિલેશ પંચાલ, મેડિકલક્ષેત્રે ડો. બ્રિજેશ પટેલ, બીઝનેસ ક્ષેત્રે રોહિત ઝવેરી, કલાક્ષેત્રે અનિલ રેલિયા, મેડિકલ ક્ષેત્રે ડો. તેજલ દલાલ, હસ્તકલાક્ષેત્રે ઇલાબહેન પંડ્યા, પ્રવાસન ક્ષેત્રે ભાસ્કરભાઇ બાબુલકર, ભાષાકીય ક્ષેત્રે પ્રદીપભાઇ ત્રિવેદી અને નીલમબહેન ત્રિવેદીને સન્માનિત કરાયાં.


