દેશી વિદેશીઓની આર્થિક છેતરપિંડી કરતા કોલ સેન્ટર કેસમાં એફબીઆઈ દ્વારા પણ તપાસ

Wednesday 13th February 2019 05:30 EST
 

અમદાવાદઃ સાઈબર ક્રાઈમની ટીમે ભારત અને ખાસ કરીને અમેરિકન નાગરિકોને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસિસના નામે બીક બતાવી છેતરપિંડી કરતા આશ્રમ રોડ અને બાપુનગરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો તેના ૨૪ કલાકમાં જ ૭મીએ મકરબાના ગોયલ પલેડિયમ અને એ પછી સિંધુભવન નજીક અર્થ એસેન્સના કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ત્રણ દિવસમાં પકડાયેલા ચાર કોલસેન્ટર્સમાં ગેરકાયદેસર રીતે દેશી વિદેશી મુખ્યત્વે અમેરિકન અને કેનેડિયન નાગરિકોને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન નામે બીક બતાવી પૈસા પડાવવાનું કામ ચાલતું.
આરોપીઓમાં મોટાભાગના યુવાનો અંગ્રેજી ભાષાના જાણકાર હોઈ નોકરી કરવા અમદાવાદ આવ્યા હતા. આ કેસમાં એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
છેતરપિંડીથી નાણા પડાવવા
આશ્રમરોડ અને બાપુનગરના કોલ સેન્ટરની ગેરકાયદે પ્રવૃત્તિઓ પકડયા બાદ પોલીસે ૭મી ફેબ્રુઆરીએ અમદાવાદમાંથી વધુ બે કોલ સેન્ટર પર દરોડા પાડી કુલ ૫૩ આરોપીઓને પકડયા હતા. ત્રણ દિવસમાં કુલ ચાર કોલ સેન્ટર પકડી ૭૦ આરોપીઓની ધરપકડ થઈ. પૂણે પોલીસે પણ આ પહેલાં ખરાડીમાંથી પકડેલા કોલસેન્ટરમાંથી યુવતી સહિત જે પાંચ મુખ્ય આરોપીઓ પકડયા હતા, તેમાંથી ચાર ગુજરાતી હતા. આ ચાર પાસેથી મળેલી માહિતીના આધારે પૂણે પોલીસે આપેલી ટીપને આધારે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને કોલ સેન્ટર્સનાં કૌભાંડ બહાર આવ્યા હતા. મકરબા ગોયલ પેલેડિયમના કોલ સેન્ટરમાં ખાસ કરીને અમેરિકન અને અર્થ એસેન્સના કોલ સેન્ટરમાં મુખ્યત્વે કેનેડેયન નાગરિકોને છેતરવામાં આવતા હતા. આ બંને કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધારો એવા પાંચ ભાગીદાર ફરાર થઈ ગયા હતા. આ બંને કોલ સેન્ટરમાંથી પોલીસે લેપટોપ, સીપીયુ, હેડ ફોન, મોબાઈલ, વાહનો મળીને કુલ રૂ. ૨૦,૬૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એફબીઆઈ દ્વારા તપાસ
અમદાવાદમાં દારૂ, જુગાર, હુક્કાબાર તથા ગેરકાયદે કોલ સેન્ટર જેવી પ્રવૃત્તિઓ પોલીસ કમિશનરની ગુના નિવારણ શાખા (પીસીબી)ની રહેમનજર હેઠળ ચાલતી હોવાની ચર્ચા છે ત્યારે કોલ સેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકોના કરોડોના ડોલર પડાવાયા હોવાનું બહાર આવતાં અમેરિકાની એફબીઆઈના અધિકારી તપાસ માટે મુંબઈ આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીને પગલે ભારતના અમેરિકન એમ્બેસીના એફબીઆઈના એક સિનિયર અધિકારી અમદાવાદ આવ્યા હતા. શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘના જણાવ્યા મુજબ એફબીઆઈના એક અધિકારી તાજેતરમાં કોલ સેન્ટરો પર દરોડા પાડનારા પોલીસ અધિકારીઓને મળ્યા હતા. તેમણે આ કેસને લગતી માહિતી અને ડેટા મેળવ્યા હતા.
પોલીસે કોલ સેન્ટરો પર દરોડા પાડીને અનેક આરોપીઓની ધરપકડ કરી છે. આથી પોલીસ પાસે અમેરિકન નાગરિકોના બેંક એકાઉન્ટ સહિતની માહિતી છે. પોલીસે ભોગ બનેલા અમેરિકન નાગરિકોની ઓળખ માટે એફબીઆઈના અધિકારી સાથે ચર્ચા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter