દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનાર વ્યાજખોરોને પાસા થશે

Wednesday 05th February 2020 05:27 EST
 

અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના ગુના રોકવા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક ૧૮ ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા લેવાશે. જે ગુના હેઠળ વ્યાજખોરને બે વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ ઉપરાંત તેમની મિલકત પણ જપ્ત કરાશે.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે, ખોખરાના એક વ્યાજખોરને પાસા કરવામાં આવી છે. હવે બળજબરી કરીને વ્યાજ વસૂલનારા તમામ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાશે. માર્ચથી ડિસેમ્બર મહિના સુધીમાં વ્યાજખોરો સામે ૨૬ ગુના નોંધાયા છે. જાન્યુઆરીમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસના ૩ કિસ્સા બન્યા છે. બળજબરીથી લખાણ લખાવી લેનારને પણ રૂ. ૨૫ હજારનો દંડ થશે નાણા ધીરધારનો ધંધો કરનારે લાઇસન્સ લેવું પડશે. તેમ છતાં જો કોઇ વ્યક્તિ લાઈસન્સ વગર આ ધંધો કરશે તો તેને ૨ વર્ષની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ થશે. નાણાં ધીરનાર કોઇ પણ વ્યક્તિ પૈસાની ઉઘરાણી માટે કોઇના ઘરે જઇ નહીં શકે તેમજ ધાક ધમકી પણ આપી શકશે તેમજ બળજબરીથી કોઇ લખાણ લખાવી કે પૈસા કઢાવી શકશે નહીં, તેમ કરશે તો તે વ્યાજખોરને વધુ ૨ વર્ષની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter