દ્વારકાધીશના દર્શનથી વડા પ્રધાને વિધાનસભા ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યાં

Wednesday 11th October 2017 09:19 EDT
 
 

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની બે દિવસીય મુલાકાતે રહ્યા હતા. સાતમી ઓક્ટોબરે દ્વારકાધીશનાં દર્શનથી વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતાં મોદીએ સૌરાષ્ટ્ર માટે રૂ. ૫૮૪૩ કરોડના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યાં હતાં. ઓખા - બેટને જોડતા લેન કેબલ સ્ટેન્ડ સિગ્નેચર બ્રિજનું તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં અંદાજે રૂ. ૯૬૨ કરોડના ખર્ચે આ ૪.૫૬ કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર થશે. બ્રિજના ખાતમુહૂર્તની ઇ-તક્તીનું મોદીએ અનાવરણ કર્યું હતું. તેમણે ક્હયું કે, આ બ્રિજની ફૂટપાથ ઉપર સોલર પેનલ થશે જેનાથી એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. ચોવીસ કલાક આ બ્રિજ યાત્રીઓથી ધમધમતો રહેશે. રૂ. ૩૭૦ કરોડના ખર્ચે ગડુથી પોરબંદર વચ્ચે થનારા રોડની અને પોરબંદરથી દ્વારકાના રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે થનારા રોડના નવીનીકરણની શિલાન્યાસ વિધિ પણ મોદીના હસ્તે થઈ હતી. મોદીએ દેશભરના મરીન પોલીસની ટ્રેનિંગ માટેના સેન્ટરનું મોજપ ગામે ભૂમિપૂજન કર્યું હતું. દ્વારકાથી તેઓ ચોટીલા દર્શને પહોંચ્યા હતા અને ત્યાં જાહેરસભા સંબોધતાં કહ્યું કે, કોઈએ ધાર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઠાંગા પંથક હિરાસરમાં રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એર પોર્ટ બનશે? શું આ વિકાસ નથી?, પણ કેટલાક લોકોને એર પોર્ટ બને એ વાત ગમી નહીં હોય. તે લોકો ભલે બસમાં જાય.
રાજકોટ, અમદાવાદ નેશનલ હાઇવેને સિક્સલેન બનાવવા રાજકોટ-મોરબીને જોડતાં હાઈવેને ફોરલેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યા ઉપરાંત વડા પ્રધાને સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીના ઓટોમેટિક દૂધ પેકિંગ પ્લાન્ટનું પણ રિમોર્ટ કંટ્રોલથી ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાંથી તેઓ ગાંધીનગર ગયા હતાં. ત્યાં પાલજમાં ૪૦૦ એકરમાં નવનિર્મિત આઈઆઈટી વિશાળ કેમ્પસનું મોદીએ લોકાર્પણ કર્યું હતું. મોદીએ અહીં કહ્યું કે, તમે બધા આઈઆઈટિયન છો અને હું ટીઅન! હું એક ચા વાળો છું. મારી આગળ ડબલ આઈ નથી લાગતા તમારી આગળ લાગે છે એટલે હવે તમારી જવાબદારી મારાથી પણ વધુ છે. સોલાર એનર્જીના સહારે આગળ વધો. મોદીએ અહીં જામ થિઅરી એટલે કે J-જનધન ખાતા, A- આધાર, M – મોબાઈલ ફોનનું મહત્ત્વ સમજાવ્યું. સાતમીએ રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ દરમિયાન મોદીએ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. રવિવારે વહેલી સવારે મોદીએ વતન વડનગર પહોંચ્યા હતા. તેમણે હાટકેશ્વર મંદિરે ભગવાન શંકરના દર્શન કરીને પૂજા કરી હતી. એ પછી જાહેર સમારંભમાં તેમણે કહ્યું હતું કે, ભોલેબાબાની તાકાત છે ઝેર પીને પચાવવાની. ૨૦૦૧થી આ ભોલેબાબાના આશીર્વાદથી જ મને આ ઝેર પચાવવાની તાકાત મળી છે. એના કારણે ભલભલા ઝેર ઓકનારા હોય તો પણ એ ઝેરને પચાવીને માત્ર અને માત્ર માતૃભૂમિના કલ્યાણ માટે જીવન લગાવતો રહીશ. અહીં મોદીએ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને કહ્યું કે, કેન્દ્રમાં અટલ બિહારી વાજપાઇના નેતૃત્વ હેઠળની સરકાર શાસનમાં હતી ત્યારે છેક હેલ્થ પોલીસી જાહેર કરાઈ હતી અને હવે પાછી ભાજપ સરકારે હેલ્થ પોલીસી અમલમાં મૂકવા પ્રયાસ કર્યા છે. મોદીએ જાહેર સભા સંબોધતાં એવું પણ પૂછ્યું હતું કે, વડનગરમાં હેંગિંગ બ્રિજ, મેડિકલ કોલેજ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન બન્યું તેને વિકાસ કહેવાય? ત્યારે જનમેદનીએ ગગનભેદી નારા સાથે ‘હા’ કહેતાં વડા પ્રધાને કહ્યું કે, ...તો તમારા શર્મિષ્ઠા તળાવનું આપણે સુશોભન કરીશું. વડનગરમાં લોખંડી સુરક્ષા વચ્ચે મોદીએ કાફલો બી. એન. હાઇસ્કૂલ પાસે અટકાવ્યો હતો અને પ્રોટોકોલ તોડીને બી. એન. હાઇસ્કૂલ ગયા હતા. તેમણે સ્કૂલની માટી માથે લગાવી હતી. રોડ શો વખતે મોદીએ ગાડીમાંથી નીચે ઉતરીને તમામ પ્રોટોકોલ તોડીને પગે ચાલીને પ્રજાનું અભિવાદન કર્યું હતું.
વડા પ્રધાને આઠમીએ રૂ. ૪,૩૩૭ કરોડની નર્મદા નદી પર ભાડભૂત ગામ ખાતેની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ જીએનએફસીનાં દહેજના વિવિધ પ્લાન્ટનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ભરૂચનાં કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તેમણે કહ્યું હતું કે, દેશને કેટલાય લૂંટવાવાળા ભલે ઊભા થઈ જાય પણ ઈમાનદારી જ જીતશે.

વડા પ્રધાન દ્વારા વિકાસકાર્યો

• ઓખા - બેટ દ્વારકા વચ્ચે રૂ. ૯૬૨ કરોડના ખર્ચે તૈયાર થનારા ૪.૫૬ કિમી લાંબા કેબલ બ્રિજનું ભૂમિપૂજન • રૂ. ૩૭૦ કરોડના ખર્ચે ગડુ - પોરબંદર વચ્ચેના નવા માર્ગનો અને પોરબંદરથી દ્વારકા વચ્ચે રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે માર્ગના નવીનીકરણનો શિલાન્યાસ • દ્વારકા જિલ્લાના મોજપ ગામે દેશના મરીન પોલીસ ઇન્સ્ટિટ્યૂટનું ભૂમિપૂજન • હિરાસર ગામ પાસે ૧૦૨૫ હેક્ટર જમીનમાં રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે સાકાર થનારા ગ્રીનફિલ્ડ એર પોર્ટનું ખાતમુહૂર્ત • સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીના ઓટોમેટિક દૂધ પેકિંગ પ્લાન્ટનું રિમોર્ટ કંટ્રોલથી ઉદ્ઘાટન • ગાંધીનગર નજીક પાલજમાં ૪૦૦ એકરમાં નવનિર્મિત આઈઆઈટી વિશાળ કેમ્પસનું લોકાર્પણ • વડનગરમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે મેડિકલ કોલેજ-હોસ્પિટલ. • રૂ. ૬૫૦ કરોડના ખર્ચે હિંમતનગર હોસ્પિટલ. • રૂ. ૯૨.૮૧ કરોડના ખર્ચે વડનગર સેવા સદન. • રૂ. ૨૮ કરોડનું વડનગર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. • રૂ. ૧૦.૫૩ કરોડના ખર્ચે વડનગર બસ ટર્મિનલ • વડનગરમાં રૂ. ૫.૪૫ કરોડના ખર્ચે ટાઉનહોલ. • ભરૂચમાં રૂ. ૪,૩૩૭ કરોડની ભાડભૂત બેરેજ યોજનાનું શિલારોપણ • બિહાર માટે અંત્યોદય ટ્રેનને લીલી ઝંડી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter