અમદાવાદઃ ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી અત્યંત શુભ અને લાભકારક માનવામાં આવે છે. આ વખતે પણ સોનાના દાગીના- સિક્કાનું કુલ વેચાણ ૧૫થી ૨૦ ટકા જેટલું વધ્યું હોવાનું ઝવેરીઓએ જણાવ્યું છે. અમદાવાદમાં ૨૮મી ઓક્ટોબરે ૩૦૦થી ૩૫૦ કિલો સોના-ચાંદીનું કુલ વેચાણ રહ્યું હોવાનું જ્વેલર્સ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ જિગર સોની કહે છે. સોના-ચાંદીમાં સળંગ ત્રણ વર્ષ સુધી ઘટાડો નોંધાયા બાદ બાદ સવંત ૨૦૭૨માં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે. સવંત ૨૦૭૨માં સોનામાં ૧૭% અને ચાંદીમાં ૨૨%નું વળતર મળ્યું છે.
હવે જ્વેલરીની ઓનલાઇન ખરીદીનો પણ ટ્રેન્ડ વધ્યો છે. ઓનલાઇન ખરીદીમાં પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરી કે લાઇટવેઇટ જ્વેલરીની ડિમાન્ડ વધારે હોય છે. રોજ પહેરી શકાય તેવી જ્વેલરી લોકો ઓનલાઇન ખરીદે છે, પણ વધુ કિંમતના દાગીની ખરીદી વિશ્વાસુ જ્વેલર્સ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખે છે. રવિપુષ્ય નક્ષત્રના રોજ અંદાજ કરતાં વધુ સારી ખરીદી બાદ ધનતેરસના રોજ સારા વેચાણની ઝવેરીઓને આશા બંધાઇ હતી.


