અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ એકંદરે ધર્મ - અર્થ - રાજનીતિનો ત્રિવેણીસંગમ બની રહ્યો હતો. વતનપ્રવાસના પહેલા ચરણમાં શનિવારે સાંજે નરેન્દ્ર મોદી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે દેશના પ્રથમ જ્યોર્તિલિંગનું પૂજન-અર્ચન કરીને આસ્થા-ગૌરવના 1000 વર્ષની ઐતિહાસિક ઉજવણી પ્રસંગે યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં હાજરી આપી હતી.
બીજા દિવસે રવિવારે તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાતની સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ દેશના પ્રતિનિધિઓ તેમજ મુકેશ અંબાણી તથા કરણ અદાણી સહિતના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂડીરોકાણ માટે આહવાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે યહી સમય, સહી સમય હૈ...
રાજકોટથી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને ભારતના મહેમાન બનેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝે સાબરમતી આશ્રમની મુલાકાત લઇને બાપુને અંજલિ અર્પી હતી અને બાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ ચગાવવાની મજા માણી હતી. આ પછી બન્ને નેતાઓએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકના અંતે બન્ને દેશોએ સંરક્ષણ - ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રે 12થી વધુ દ્વિપક્ષી સમજૂતી કરારોય પર હસ્તાક્ષર કર્યા હતા.


