ધાર્મિક મુદ્દે ધર્મગુરુના સૂચન કોર્ટે લેવા જોઈએ પુરીના વર્તમાન ૧૪૫મા જગદગુરુ શંકરાચાર્ય પૂ. નિશ્ચલાનંદજી મહારાજે તેમની ત્રિદિવસીય અમદાવાદ મુલાકાતમાં મંદિરમાં દલિતોને પ્રવેશના મુદ્દે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કરેલાં મારાં નિવેદને ખોટી રીતે લેવાય છે. મંદિરની જે પણ પ્રથા-પરંપરા હોય તેનું પાલન થવું જોઈએ. જે મંદિરમાં તેનું પાલન ન થતું હોય ત્યાંની દેવદેવીની પ્રતિમા તેજ ગુમાવી દે છે. ધાર્મિક મુદ્દે ચુકાદા આપતાં પહેલાં અદાલતોએ પણ ધર્મગુરુઓના સૂચનને ધ્યાનમાં લેવા જોઈએ.
• આઈટી અધિકારી પરનો રૂ. ૪૦ હજારની લાંચનો ગુનો પુરવારઃ સત્યાગ્રહ છાવણીમાં રહેતા પ્રકાશચંદ્ર કોરાણી પાસેથી ઇન્કમટેક્સના અધિકારી કે. ગોપાલનને ૨૦૦૧માં તેના પર કેસ નહીં કરવા માટે રૂ. ૪૦ હજારની લાંચ માગી હતી. આ મામલે બે હપતામાં વહેંચાયેલી રૂ. ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા ગોપાલન કુરૂપને સીબીઆઇ કોર્ટે બે વર્ષની સખત કેદ તથા રૂ. છ હજારનો દંડ ફટકાર્યો છે.
• ડી. જી. વણઝારાને ગુજરાત પ્રવેશની છૂટ અપાઈઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાને અમદાવાદની સીબીઆઈ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. તાજેતરમાં જ મુંબઈની કોર્ટમાંથી પણ ડી. જી. વણઝારાને રાહત મળી હતી જેમાં કોર્ટે મુંબઈ નહિ છોડવાની આકરી શરત દૂર કરી હતી. હવે આગામી સપ્તાહે વણઝારા ગુજરાતમાં આવશે. અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં ઈશરત જહાં કેસના આરોપી અધિકારી વણઝારાએ ગત ૭મી માર્ચે અરજી કરી હતી કે તેમની પર ગુજરાતમાં પ્રવેશવા પર પાબંદી દૂર થાય. તેઓ નિવૃત્ત આઈપીએસ છે એટલે કાયદો અને વ્યવસ્થા જળવાય તેનું ચોક્કસ પાલન કરશે.
• પોસ્ટખાતા દ્વાર રોકાણકારોને NSCને KVPની ઈલેક્ટ્રોનિક પ્રિન્ટઃ પોસ્ટલ ડિપાર્ટમેન્ટે એપ્રિલ ૨૦૧૬થી નેશનલ સેવિંગ્સ સર્ટિફેકટમાં કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સને ફિઝિકલ સર્ટિફિકેટ આપવાને બદલે કોમ્પ્યુટરાઈઝ એટલે કે ઈ-સર્ટિફિકેટ્સ આપવાનું નક્કી કર્યું છે. પરિણામે પહેલી એપ્રિલ ૨૦૧૬થી એનએસઈમાં રોકાણ કરનારાઓને ઈ-મોડમાં એનએસએસી અને કેવીપી મળશે. પોસ્ટ ઓફિસ અત્યારે પાસબુકમાં તેની નોંધ કરીને આપી શકશે. દરેક ઈન્વેસ્ટમેન્ટના અલગ સર્ટીફિકેટ આપવાનું હવેથી બંધ કરાશે. આમ શેરબજારના ડિમેટ એકાઉન્ટમાં શેર્સ પડી રહે તે જ રીતે એનએસસી અને કેવીપીના રોકાણની નોંધ જળવાઈ રહેશે.
• રૂપિયા વસૂલવા સાંકળથી બાંધેલા ત્રણ બાળમજૂરોને છોડાવાયાંઃ
રખિયાલમાં આવેલી ધોબીની ચાલીમાં ભાડાના મકાનમાં બાળમજૂરી થતી હોવાની ફરિયાદના આધારે પોલીસે પહેલી એપ્રિલે દરોડો પાડીને બિહારના ત્રણ બાળમજૂરોને છોડાવ્યા હતાં સાથે રૂ. ૨૦ હજારની ઉઘરાણી માટે સાંકળથી બાંધી રખાયેલા એક યુવાનને પણ પોલીસે મુક્ત કરાવ્યો હતો અને એક આરોપીને ઝડપી લીધો હતો.

