નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે ચાર ગુજરાતીઓ સહિત ૫૬ લોકોને પદ્મ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ. ધીરુભાઈ અંબાણીને પદ્મ વિભૂષણ, દિલીપ સંઘવીને પદ્મશ્રી, ભીખુદાન ગઢવીને પદ્મશ્રી અને ડાહ્યાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી એવોર્ડ અપાયા હતા.
ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણી વતી તેમના પત્ની કોકિલાબહેન અંબાણીએ રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિને ૧૧૨ હસ્તીઓની યાદી જાહેર કરાઈ હતી. આ લોકોમાંથી ૫૬ લોકોને સોમવારે પદ્મ એવોર્ડ એનાયત કરાયા હતા. ન્યૂરો ફિઝિશિયન સુધીર શાહને ૧૨મી એપ્રિલે પદ્મ એવોર્ડ અપાશે.


