અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે જાહેર થયું છે. આ વર્ષનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા આવ્યું છે. ધોરણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છેલ્લા 11 વર્ષોમાં સૌથી વધુ નોંધાયું છે. જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ છેલ્લા 15 વર્ષોના ઇતિહાસમાં સૌથી વધુ નોંધાયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં 96.60 ટકા સાથે ગોંડલ નોંધાયું છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક- બે નહીં, પણ કુલ છ કેન્દ્રોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સંપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા(સતત બીજા વર્ષે), લીમ્બોદ્રા, મીઠાપુરનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રોમાં દાહોદ 54.48 ટકા જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્ર 52.56 ટકા સાથે (સતત બીજા વર્ષે) સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્દ્ર નોંધાયું છે.