અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ, ૨૦૧૮માં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાનું ૧૦મી મેએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે એકંદરે ૭૨.૯૯ ટકા હતું. ગત વર્ષે ૮૧.૮૯ ટકા પરિણામ રહ્યું હોઈ આ વર્ષે ૮.૯ ટકાનો મોટો ઘટાડો સાયન્સના પરિણામમાં નોંધાયો છે.
જ્યારે આ વર્ષે એ૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં પણ ધરખમ ઘટાડો નોંધાતા માત્ર ૧૩૬ જ વિદ્યાર્થી એ૧ ગ્રેડમાં છે. જિલ્લાવાર પરિણામમાં ૮૫.૦૩ ટકા સાથે રાજકોટ પરિણામમાં સૌથી આગળ રહ્યો છે. ૩૫.૬૪ ટકા સાથે આ વર્ષે પણ છોટા ઉદેપુર પરિણામમાં સૌથી નીચે છે. ગુજરાત સરકારે ધો.૧૧-૧૨ સાયન્સમાં ૨૦૧૨થી સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરતા છેલ્લા પાંચ વર્ષથી ધો.૧૧-૧૨ના કુલ ચાર સેમેસ્ટર પ્રમાણે દર ૬ મહિને બોર્ડ પરીક્ષા લેવાતી હતી, પરંતુ સરકારે ૨૦૧૬માં સેમેસ્ટર સીસ્ટમ રદ કરતા ૨૦૧૭માં સેમેસ્ટર આધારિત બોર્ડ પરીક્ષા અંતિમ લેવાઈ હતી. માર્ચ ૨૦૧૮માં વાર્ષિક પદ્ધતિ પ્રમાણે બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. સેમેસ્ટર સિસ્ટમ રદ થતા વાર્ષિક પદ્ધતિના પરિણામમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે.

