સુરતઃ હાલમાં જાહેર થયેલા ધો. ૧૨ બોર્ડના પરિણામોમાં અમદાવાદના ૧૭ વર્ષીય વર્ષિલ શાહે ટોપ કરીને ૯૯.૯૯ ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. પરિણામના દિવસે તેણે દીક્ષા લેશે તેવી જાહેર કરતાં સમગ્ર જૈનધર્મમાં આશ્ચર્ય ફેલાયેલું હતું. આઠમીએ સુરતના અડાજણમાં વર્ષિલની દીક્ષા યોજાઇ હતી અને તે મુનિ સુવીર્યરત્ન વિજયજી બની ગયા હતા. તેમને વધાવવા માટે હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષિલનો પરિવાર આધ્યાત્મિકાના રસ્તે ચાલનારો છે. ઘરમાં વર્ષિલના પિતા જીગરભાઇ શાહ આઇટી ઓફિસર છે અને માતા અમી શાહ ગૃહિણી છે. તેઓ સાદગીથી જીવે છે. જીગરભાઈ શાહ કહે છે કે, ગુરુભગવંતોની નિશ્રામાં અને જિનવાણીએ તેમના પરિવારનાં જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યા છે. અડાજણ સ્થિત પ્રમુખસ્વામી ડોમમાં શ્રાવકોની ભીડ વચ્ચે પૂજ્ય આચાર્ય નરચન્દ્ર સૂરિજી, આચાર્ય બોધિરત્ન સૂરિશ્વરજીના પ્રશિષ્યરત્ન મુનિરાજ કલ્યાણરત્ન વિજયજી આદિ શ્રમણ-શ્રમણી ગુરુભગવંતોની નિશ્રામાં વહેલી સવારે વર્ષિલે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા પહેલાં વર્ષિલે પોતાના હૃદયભાવ જણાવતાં કહ્યું હતું કે, ધો. ૧૨ કોમર્સમાં સારા ટકા આવ્યા પણ મારો ગોલ કંઇક જુદો છે. મનની શાંતિ માટે મને એક વિકલ્પ દેખાય છે અને છે સંયમ. જૈન દીક્ષાને કારણ આધ્યાત્મિક જગતના સાચા જ્ઞાનના કારણે જૈન સાધુજીવનમાં હંમેશાં આનંદના ફુવારા છે. જે સાચા જ્ઞાનના કારણે હું તરફ મારી જિંદગીને વળાંક આપવા આધ્યાત્મિક સુખના માર્ગે જઇ રહ્યો છું એવું મારું માનવું છે.


