ધોલેરા SIR વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઝોન બનશેઃ પીયૂષ ગોયલ

Saturday 27th August 2022 06:54 EDT
 
 

અમદાવાદ, તા. ૨૦ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ધોલેરા SIR (સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) વિશ્વનો સૌથી મોટો અને શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઝોન બનશે.
ગોયલે જણાવ્યું હતું કે ગુજરાત જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તેનાથી પણ વધુ તેજ ગતિથી ધોલેરાનો વિકાસ થશે. ધોલેરાના વિકાસ માટે અબજો રપિયાનું મૂડીરોકાણ આવી રહ્યું છે. ગુજરાત 'ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે' વધુ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે અને વિકાસના નવા નવા શિખર સર કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી 25 વર્ષમાં ભારત વિકસિત દેશ બનશે. લોજિસ્ટિક કોસ્ટ ઘટાડીને તથા ઉત્પાદકતા વધારીને આત્મનિર્ભર ભારત બનશે. કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી જાહેર કરશે.
 
નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NICDC) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 'ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’માં ગુજરાતના નાગરિકોને જન્માષ્ટમી પર્વના અભિનંદન આપતાં પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, દુનિયાની કોઈ તાકાત ભારતને વિકસિત દેશ બનવામાં રોકી શકશે નહીં. ધોલેરા SIR એ વિશ્વનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે. ભારતે 2021માં રૂ. 50 લાખ કરોડની નિકાસ કરી છે અને આગામી 7થી 8 વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની નિકાસ કરવાનો લક્ષ્યાંક છે.
ભારત સરકાર ટુંક સમયમાં લોજિસ્ટિક પોલિસી જાહેર કરશે. ગુજરાત જુદા જુદા ઈન્ડસ્ટ્રીયલ પાર્કની કલ્પના કરી છે. દેશના 7 ટેક્ષ્ટાઈલ પાર્કને મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. નવસારીની દરખાસ્તને નંબર વન રેન્કિંગ આપવામાં આવ્યું છે.

ધોલેરા ફ્યુચરિસ્ટિક સિટી ઓફ ગુજરાતઃ મુખ્ય મંત્રી
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 920 સ્કવેર મીટરમાં વિસ્તરેલું ધોલેરા SIR ફ્યુચરિસ્ટિક સિટી ઓફ ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા માટે સજ્જ છે. અમદાવાદથી ધોલેરા સિક્સ લેન નેશનલ હાઈવે તેમજ ધોલેરા આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંન્ને પ્રોજેક્ટ 2024માં શરૂ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter