અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનું સેમિ કન્ડકટર હબ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે ત્યારે ગુજરાત પણ સેમિ કન્ડકટર હબ બનવા માટે તૈયાર છે અને ધોલેરા સ્માર્ટ સીટીને 'સેમિકોન’ સીટી તરીકે વિકસાવવાનું રાજય સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ધોલેરા સર ખાતે જઇને વિવિધ 12 પ્રોજેકટની સમીક્ષા કરી હતી. જેમાં ધોલેરામાં સ્થપાયેલા ટાટા ઇલેકટ્રોનિક્સનો સેમિ કન્ડકટર પ્લાન્ટની પ્રગતિ અને નિર્માણની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વેની 95 ટકા કામગીરીની સમીક્ષા કરતા 95 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાયું હતું. આ સાથે ધોલેરા સેમિકોન સીટીમાં નિર્માણાધીન હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતના સ્થળની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.
ધોલેરા સીટીની સમિક્ષામાં રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનનમાં રોડ રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસિલિટીઝ, પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પૂરી થઇ ગઈ હોવાનું દર્શાવાયું હતું. આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આઈસીટી ઈન્ફાસ્ટ્રકચર, એબીસીડી બિલ્ડીંગ ઉપરાંત
300 મેગા વોટના સોલાર પાર્કની પણ કામગીરી પૂર્ણ થઇ છે.
હાલ અહીં ધોલેરા ફ્રેઈટ રેલ્વેલાઇન, 192 બેડની હોસ્પિટલ, ધોરણ 12 સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાના કામ પ્રગતિમાં છે. ધોલેરા સરમાં 12 પ્રોજેકટ પૈકીના એક ટાટા ઇલેક્ટ્રોનિકસની મુલાકાત લીધા પછી ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લઈને રૂ. 1350 કરોડના ખર્ચના કાર્ગો બિલ્ડીંગ, ટર્મિનલ બિલ્ડીંગ અને રન-વેની કામગીરીની સમીક્ષા કરી હતી.