ધોલેરાના આંગણે યોજાયો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ

Monday 16th January 2023 05:45 EST
 
 

ગાંધીનગર: ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાઇટ ફેસ્ટિવલમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પતંગબાજો જોડાયા હતા. કેનેડા, યુએસ, રશિયન ફેડરેશન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, ઈજીપ્ત, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોના કાઈટ ફ્લાયર્સ આવ્યા હતા. ધોલેરા ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશોમાંથી 42 પતંગબાજો અને 4 ભારતીય રાજ્યોમાંથી 26 પતંગબાજો તેમજ ગુજરાતમાંથી 25 પતંગબાજો મળીને કુલ 98 પતંગબાજો સહભાગી થયા હતા. આ પતંગબાજોએ તેમના અવનવા પતંગોને ચગાવી કાર્યક્રમને જીવંત અને રંગીન બનાવી દીધો હતો.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ આ પ્રસંગે કહ્યું કે, ધોલેરા સ્માર્ટ સિટી માટે આજે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું વિશ્વસ્તરીય ઔદ્યોગિક સ્માર્ટ સિટી વિકસાવવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે. ધોલેરા વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું શહેર હશે અને વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનું પ્રદર્શન કરશે. મને વિશ્વાસ છે કે અહીં પતંગ મહોત્સવનું આયોજન ધોલેરા સ્માર્ટ સિટીને ઉદ્યોગોના વિકાસની નવી પાંખો આપશે અને પ્રવાસનને વેગ આપશે.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. ધોલેરા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રવાસન અને તહેવારો દ્વારા પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ થશે.
DSIRDAના સીઇઓ અને DICD લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હારીત શુક્લાએ મહેમાનોને આવકારતા કહ્યું હતું કે ‘આજે 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના દિવસે જ ધોલેરા કાઇટ ફેસ્ટિવલની યજમાની કરી રહ્યું છે. આ વર્ષનો પતંગોત્સવ G-20 થીમ પર છે જેમાં ભારત G-20 દેશોની પ્રેસિડેન્સી કરી રહ્યું છે. આગામી વર્ષોમાં ધોલેરા વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક શહેર બનશે. કાઈટ ફેસ્ટિવલ વિશ્વભરના રોકાણકારો અને વ્યવસાયોને આકર્ષવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter