ગાંધીનગરઃ ધોલેરામાં રૂ. ૧૦,૫૦૦ કરોડના મૂડીરોકાણ સાથે ચાઈના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા માટે ચાઇના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિઝ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થયાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં થયેલા આ એમઓયુ મુજબ ધોલેરામાં ચાઇનીઝ કંપનીઓ માટે પ્લેગ એન્ડ પ્લેના ધોરણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવાશે. આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો કાર્યરત થશે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૫ હજાર સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે. રૂપાણીએ કહ્યું કે, આ એમઓયુના પરિણામે ચીનના મધ્યમ અને નાના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણની તકો મળશે. ગુજરાતમાં મોટાપાયે એફડીઆઇ આવી રહ્યું છે ત્યારે ચાઇનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરીને ૨૦૨૨ સુધીમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માગ છે. તાજેતરમાં ભારત સરકારે ઉદ્યોગોને જે કર રાહતો આપી છે તેમજ ગુજરાત સરકારે એમએસએમઇ સેક્ટર માટે પ્રોત્સાહન જાહેર કર્યાં છે તેનો લાભ પણ ચાયનાના ઉદ્યોગોને મળશે. ચાઇનીઝ એસોસિએશન ધોલેરા એસઆઇઆરને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચાઇનીઝ ઉદ્યોગો માટે પ્રમોટ કરશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોલેરામાં ધોલેરા સ્માર્ટ સિટી, એરપોર્ટ સહિતના પ્રોજેક્ટને સફળ કરવા માટે વેગવાન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વિશ્વના નામાંકિત ઉદ્યોગોને લાવવાનું આયોજન કરાયું છે.