ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલી પાલિકા - પંચાયતની ચૂંટણીમાં બીજો તબક્કો પસાર થયો અને સરેરાશ ૬૬.૮૫ ટકા મતદાન નોંધાયું છે. રવિવારે બીજા તબક્કાના મતદાનમાં ૪.૬૧ ટકાનો વધારો થયો હોવાનું ચૂંટણીપંચે પહેલી ડિસેમ્બરે જાહેર કર્યું હતું. આ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને વિમાસણ વચ્ચે પોતાના અચ્છે દિન દેખાઈ રહ્યાં છે.
ચૂંટણીપંચે પહેલી ડિસેમ્બરે બહાર પાડેલા અહેવાલ મુબજ, બીજા તબક્કાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૧ જિલ્લાઓમાં ૬૮.૮૦ ટકા, ૨૩૦ પાલિકાઓમાં ૬૯.૦૪ ટકા અને ૫૬ પાલિકાઓમાં ૬૨.૭૭ ટકા મતદાન નોંધાયું છે. વર્ષ ૨૦૧૦માં ૬૨.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.
નોંધનીય છે કે, ચૂંટણી બહિષ્કારની ઘટનાઓ વચ્ચે રવિવારે થયેલા મતદાનમાં ટકાવારી ઊંચકાઈ છે. આ ચૂંટણીમાં ચૂંટણીપંચે કુલ ૨ કરોડ ૬૧ લાખથી વધારે મતદારોને મતાધિકાર માટે પ્રમાણિત કર્યા હતા. અન્ય વિસ્તારો કરતાં પૂર્વ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદાર પ્રભાવિત જિલ્લાઓમાં સૌથી ઊંચુ મતદાન રહ્યું છે. તેમાં પણ નર્મદા જિલ્લામાં ૮૧.૨૯ ટકા મતદાન થયું છે. જ્યારે ડાંગમાં ૭૯.૧૨ ટકા, તાપીમાં ૭૭.૫૬ ટકા, સાબરકાંઠામાં ૭૩.૨૯ ટકા, વલસાડમાં ૭૨ ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદ જિલ્લા પંચાયતને આવરી લેતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ૭૨.૪૯ ટકા મતદાન નોંધાયું છે. તો બીજી તરફ સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું છે. નવરચિત મોરબી જિલ્લામાં ૫૭.૮૪ ટકા, અમરેલીમાં ૬૦.૪૪ ટકા, પોરબંદરમાં ૬૧ ટકા અને જૂનાગઢમાં ૬૨ ટકા મત પડયા છે.