નગરપાલિકાઓની ૧૩ બેઠકોમાંથી ભાજપની પાંચ બેઠકો કોંગ્રેસની થઈ

Wednesday 12th April 2017 08:39 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતની ૧૨ નગરપાલિકાઓની ૧૩ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ પાંચમીએ જાહેર થયા હતા. જેમાં ભાજપે સાત બેઠકો પર કેસરિયો લહેરાવ્યો હતો જ્યારે કોંગ્રેસે પાંચ બેઠક પર જીત હાંસલ કરી હતી. તો વળી કોંગ્રેસ સમર્થિત એક અપક્ષ બેઠકે જીત મેળવવા સાથે કોંગ્રેસે છ બેઠકો જીત્યાનો દાવો કર્યો છે. આ ૧૩ બેઠકોમાંથી અગાઉ કોંગ્રેસ પાસે માંડ એક બેઠક હતી એટલે કોંગ્રેસે પાંચ બેઠકો ભાજપ પાસે ઝૂંટવી લીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લામાં ચાર બેઠકોમાંથી ૩ બેઠક પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો છે.
રાજ્યના ૧૧ જિલ્લાની ૧૫ નગરપાલિકાની ૧૭ બેઠકોની પેટા ચૂંટણી બીજી એપ્રિલે યોજવાની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. ૧૭ બેઠકોમાંથી ૩ બેઠકો ભાજપ સર્મિથત બિનહરિફ જાહેર થઈ હતી, જેમાં વલ્લભવિદ્યાનગરના વોર્ડ નં.૮, અમદાવાદના સાણંદ અને ખેડાની મહુધા બેઠકના વોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે ભૂજ નગરપાલિકાના વોર્ટની ચૂંટણી કોર્ટ મેટર હોવાના કારણે રદ્ થઈ છે. આમ કુલ ૧૩ બેઠકો પર મતદાન યોજાયું હતું. ૧૩ બેઠકો પૈકી ભાજપે સાત, કોંગ્રેસે પાંચ અને કોંગ્રેસ પ્રેરિત અપક્ષે એક બેઠક જીતી છે. ભાજપ જે સાત બેઠકો જીત્યું છે તેમાં અમરેલી, લાઠી, ભાવનગરના શિહોર, દાહોદ, આણંદના વલ્લભવિદ્યાનગર, રાજકોટની ઉપલેટા-ભાયાવદર નગરપાલિકાની બેઠક સામેલ છે.
કોંગ્રેસે મહેસાણના વિજાપુર વોર્ડ, ભાવનગરના વલ્લભીપુર-મહુવા અને શિહોર, બનાસકાંઠના પાલનપુર વોર્ડની બેઠક પર જીત મેળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter