અમદાવાદઃ રાજ્યની ૮ નગરપાલિકાઓની ૯ બેઠકો પૈકી ૬ બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે જ્યારે ૩ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. એ જ રીતે તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પૈકી ૧૭ બેઠકો પર ભાજપ અને ૧૦ બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે તો વળી એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૮ નગરપાલિકાની ૯ બેઠકો પૈકી ભાજપની જીત થઈ છે તેમાં ગાંધીનગરના માણસા વોર્ડ, ભાવનગરના પાલિતાણા, બોટાદ, રાજકોટના જેતપુર નવાગઢ, જામનગરના ધ્રોલ વોર્ડ, અમરેલીના બાબરા વોર્ડ એમ કુલ છ બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસે રાજકોટના ધોરાજી વોર્ડ, જામનગરના ધ્રોલ અને દેવભૂમિ દ્વારકાના ઓખા વોર્ડ એમ કુલ ૩ બેઠક પર વિજય હાંસલ કર્યો છે. ભાવનગરમાં પાલિતાણા નગરપાલિકા વોર્ડના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની ૯-ગાંગડ બેઠક પર કોર્ટનો સ્ટે હોવાથી ચૂંટણી યોજી શકાઈ નથી.

