અમદાવાદઃ એક તરફ કોરોના માંડ કાબૂમાં આવી રહ્યો છે અને કોરોનાની રસીનું આગમન થવાની તૈયારી ચાલે છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આગમન પહેલાં ભાજપના નેતાઓ કોરોનાની ગાઇડલાઇનને છાપરે ચડાવતા દેખાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા કે પછી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સહિતના કેટલાક નેતાઓને કાયદા નડતા જ નથી તેવું સ્પષ્ટ થાય છે. કેટલાય ભાજપી નેતા અને કાર્યકરોને હાઇ કોર્ટની ફટકાર છતાંય નેતાઓ કોઇનું માનવા - સાંભળવા તૈયાર નથી.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ચોથીએ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે ભાજપના કાર્યકર્તાએ માસ્ક - સોશિયલ ડિસ્ટન્સના નિયમોને નેવે મૂક્યા હતાં. કમલમમાં પણ એટલી જ ભીડ જામી હતી.
ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા નડ્ડાએ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને પેટા ચૂંટણીમાં સારા પ્રદર્શન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, દેશમાં લોકડાઉન લાગુ થતાં જ ઘણી રાજકીય પાર્ટીઓ પણ જાણે લોકડાઉન થઇ ગઇ છે. ફક્ત ભાજપના જ કાર્યકર્તાઓએ સામાન્ય જનની સેવા કરી, સેવા હી સંગઠનના ભાવ સાથે દિવસ રાત સેવા યજ્ઞ કર્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે, આજે રાજકીય વિરોધીઓ વડા પ્રધાન મોદીનો વિરોધ કરતાં કરતાં દેશનો વિરોધ કરવા માંડયા છે.














