રાજ્યમાં યોજાયેલી ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ ૬૪ ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે. કુલ ૭,૭૭૮ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ૨૦૧૦માં ૬૨.૨૬ ટકા મતદાનની સરખામણીએ આશરે દોઢ એક ટકાનો આંશિક વધારો થયો છે. ચૂંટણીના બીજા તબક્કામાં ઉત્સાહભેર મતદાન થયું તેને પગલે રાજ્યના બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે જંગી જીતના દાવા કર્યા છે, પરંતુ આ ચૂંટણીનું સાચું ચિત્ર તો બીજી ડિસેમ્બરે જ મતગણતરી પૂર્ણ થાય તે પછી જ સ્પષ્ટ થશે.
૩૧ જિલ્લાની ૯૮૧, ૨૩૦ તાલુકાની ૪,૭૦૯ અને ૫૬ પાલિકાની ૨,૦૮૮ બેઠકો માટે સવારે આઠ વાગ્યાથી જ મતદારોની લાઈનો જોવા મળી હતી. મતદારોના ઉમળકા વચ્ચે રાજ્યમાં ૧૧૬ ઈવીએમ ખોટવાયાની ફરિયાદો પંચને મળી હતી. અમદાવાદની બોપલ-ઘુમા પાલિકામાં ઈવીએમ બંધ થતાં પોણો કલાક મતદાન સ્થગિત રહ્યું હતું, જોકે બપોર સુધીમાં સર્વત્ર સડસડાટ મતદાન થતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં ૬૦ ટકાને ક્રોસ કરી ચૂક્યું હતું.
પૂર્વ-દ. ગુજરાતની આદિવાસી પટ્ટી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ પ્રભાવિત ક્ષેત્રોમાં પણ ઊંચું મતદાન રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે નર્મદામાં ૭૮ ટકા, સૌથી ઓછું છોટા ઉદેપુરમાં ૪૭ ટકા મતદાન રહ્યું છે. ૭,૭૭૮ બેઠકો માટે ૧૯,૭૨૪ ઉમેદવારોનું ઈવીએમમાં સીલ થયેલું ભવિષ્ય બુધવારે ૪૪ મતગણતરી કેન્દ્રોથી જાહેર થશે.
મ્યુ. કોર્પોરેશનની સરખામણીએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી નામ રદ થવાની ઘટનાઓ પ્રમાણમાં ઓછી રહી હતી, આમ છતાં નામ રદ થવાને કારણે સંખ્યાબંધ મતદાતાઓ મત આપી શક્યા ન હતા.