વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને ગૃહ પ્રધાન રજની પટેલના વતનના જિલ્લા મહેસાણામાં જ દારૂ-જુગારના ૯૦૦થી વધુ અડ્ડા ધમધમતા હોવાનો ઘટસ્ફોટ કરતી યાદી ઓબીસી એસસી એસટી મંચના નેતા અલ્પેશ ઠાકોરે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને રૂબરૂ મળીને ૨૬મી ફેબ્રુઆરીએ આપી હતી. દારૂની બદી સામે ઝુંબેશ ચલાવનારા અલ્પેશે ટોકન તરીકે બુટલેગર્સનાં નામ-સરનામાં સાથેની યાદી આપી છે.
અલ્પેશે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે મુખ્ય પ્રધાનને વધુ ૨૧ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. અલ્પેશે મુખ્ય પ્રધાન અને વિરોધપક્ષના નેતાને એસસી, એસટી, ઓબીસીને લગતા ૧૭ પ્રશ્નો અંગેનું આવેદનપત્ર પણ આપ્યું હતું. એસસી, એસટી, ઓબીસી એકતા મંચના બેનર હેઠળ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરાયું ત્યારે અલ્પેશે સરકારને દારૂ - જુગારના અડ્ડા બંધ કરાવવા એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની મુદત પૂરી થતાં તેણે મુખ્ય પ્રધાનની મુલાકાત લઈને દારૂના અડ્ડા તાકીદે બંધ કરાવવાની માગણી પુનઃ કરી હતી.


