અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવા ભાજપના સ્ટાર પ્રચારકોને સજ્જ કરાયા છે. ૧૦મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આણંદ લોકસભા મતવિસ્તારમાંથી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌપ્રથમ આણંદના વલ્લભવિદ્યાનગરમાં જનસભાને સંબોધિત કરશે. આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલનો મુકાબલો થઇ રહ્યો છે. આ વખતે પૂરજોશમાં પ્રચાર કરવા ભાજપે સ્ટ્રેટેજી ઘડી છે જેના ભાગરૂપે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની દસેક જાહેરસભા ગોઠવાઇ છે.
ખાસ કરીને ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્રમાં ત્રણ અને ઉત્તર ગુજરાતમાં ત્રણ જાહેરસભાનું આયોજન કરાયું છે. મધ્ય ગુજરાતમાં બે સભા ગોઠવાઇ છે જયારે આદિવાસી વિસ્તારમાં એક જ સભા આયોજિત કરાઇ છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૩૦મી માર્ચે ગાંધીનગર બેઠકેથી ઉમેદવારી પત્રક ભર્યા પછી ૪ કિ.મી. લાંબો રોડ શો કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં પ્રચાર અભિયાનમાં કેટલાક રાજ્યના અને કેન્દ્રના સ્ટાર પ્રચારકો પણ હિસ્સો બનશે. આ માટે છ જાહેરસભાનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત ભાજપના સ્ટાર પ્રચારકો જેવા કે અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની સહિતના કેન્દ્રીય પ્રધાનોની પણ રેલી, રોડ શો થશે.
યોગી આદિત્યનાથની પણ રેલી, જાહેરસભાનું આયોજન કરાયું છે. ભાજપે સોશિયલ મીડિયાના જોરે પર ધૂમ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. જોકે, ચૂંટણીપંચે પણ રાજકીય પક્ષો કયા મુદ્દાઓને લઇને પ્રચાર કરી રહ્યા છે તેના પર બાજનજર રાખી છે.


