નવીદિલ્હી: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સોમવારની બપોરથી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંગળવારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો રહ્યો હતો. જેમાં મોદીએ પણ તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત બંને વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી.
રૂપાણી અને મોદી વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી વિજય રૂપાણીએ ટ્વિટર પર આપી હતી. જેમાં રૂપાણીએ લખ્યું હતું કે, મોદી સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ.
રાજ્યના બીજી વાર મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા બાદ રામનાથ કોવિંદ અને વૈંકેયા નાયડુ સાથે રૂપાણીની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સંદર્ભે એમણે પરામર્શ કર્યો હતો. મોદી સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે પણ તેઓ રાજકીય મુદ્દે ગહન ચર્ચા કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ૧૯મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે અને ૨૦મીએ બજેટ રજૂ થનારું છે ત્યારે આ સંદર્ભમાં માર્ગદર્શન મેળવાય તેમ સમજાય છે.