અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા અપાયેલી ક્લિનચિનનને ગુજરાતના પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકીયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. જોકે આ કેસમાં ઝાકીય જાફરી તરફથી વારંવાર મુદતો માગવામાં આવતી હોવાથી સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ૧૩મી એપ્રિલના રોજ નિયત કરી છે અને ટકોર કરી છે કે હવે આ કેસમાં મુદત આપવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.એમ. ખાનવિલકરના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં ઝાકીયા જાફરી તરફથી સીનિયર એડવોકેટ કપિલ સિબલે રજૂઆત કરવામાં આવી હતી કે કેસની સુનાવણી એપ્રિલમાં હાથ ધરાવી જોઇએ, કારણ કે અત્યારે મરાઠા અનામત કેસ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ દ્વારા સાંભળવામાં આવી રહ્યો છે. જેથી ઘણાં વકીલો તેની સુનાવણીમાં વ્યસ્ત છે.
ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુદતની માગણીનો વિરોધ કરતા કહ્યું હતું કે કેસમાં ઘણી મુદતો પડી ચૂકી છે, સુનાવણી આગામી અઠવાડિયામાં જ થવી જોઇએ.
એસઆઇટી તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ પણ મુદતની માગણીનો વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે કેસની સુનાવણી હવે નક્કી કરવી જોઇએ. તમામ પક્ષોને સાંભળી સુપ્રીમ કોર્ટે કેસને ૧૩મી એપ્રિલે લિસ્ટ કરવા નિર્દેશ કર્યો છે અને ઝાકીયા જાફરીને ટકોર કરી છે કે હવે આ કેસમાં મુદત નહીં મળે.
પિટિશનમાં ઝાકીયા જાફરીની રજૂઆત છે કે ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં રહેતા ઝાકીયા જાફરીના પતિ અ ને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૮ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ તોફાનોની તપાસ અંગે રચાયેલી એસ.આઇ.ટી.એ ૮-૨-૨૦૧૩ના રોજ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી તત્કાલિન મુખ્યપ્રધઆન નરેન્દ્ર મોદી સહિત ૬૩ વ્યક્તિને ક્લિનચિટ આપી હતી, જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ સમાવિષ્ટ હતા. આ તમામ વ્યક્તિઓ સામે કેસ ચાલી શકે તેટલા જરૃરી પુરાવાઓ ન હોવાનું કારણ આપી તેમને ક્લિનચિટ આપવામાં આવી હતી. એસ.આઇ.ટી.ના નિર્ણયને ઝાકીયા જાફરીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હાઇકોર્ટે ૫-૧૦-૨૦૧૭ના રોજ આ પિટિશન ફગાવી હતી. જેથી ૨૦૧૮માં ઝાકાયી જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. તેમની રજૂઆત છે કે પિટિશનના ગુણદોષ નક્કી કર્યા વગર હાઇકોર્ટે અરજી ફગાવી છે.


