નરોડા કેસમાં મુસ્લિમ સાક્ષીએ હિન્દુ આરોપીના બચાવમાં નિવેદન આપ્યું

Wednesday 10th May 2017 08:38 EDT
 
 

અમદાવાદઃ નરોડા ગામ હત્યાકાંડમાં આરોપી પક્ષના સાક્ષીઓની તપાસ સરકાર કરે કે પછી આરોપી પક્ષ તે મુદ્દે સર્જાયેલી ગૂંચનો આખરે ઉકેલ આવ્યો છે. ડેઝિગ્નેટેડ કોર્ટે પહેલા આરોપી અને બચાવ પક્ષને ઉલટ તપાસનો નિર્દેશ કર્યો છે. એ પછી જ સરકારી પક્ષ ઉલટ તપાસ કરી શકશે. સરકાર પક્ષની આ અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ હુકમ બાદ કોર્ટ સમક્ષ ચાર સાક્ષીઓને સાંભળવામાં આવ્યા હતા. જેમાં આરોપી પક્ષના મુસ્લિમ સાક્ષીએ હિન્દુ આરોપીનો બચાવ રજૂ કર્યો હતો.
નરોડા ગામ કેસમાં સાક્ષી વશરામ પટેલ પછી આરોપીઓ પક્ષે ગૌતમ પટેલ, નિઝામુદ્દીન અન્સારી, મકસૂદ પઠાણની જુબાની લેવાઈ હતી. આ કેસમાં હવેથી દર મુદ્દતે ચાર સાક્ષીઓ તપાસાશે. કોર્ટમાં આરોપી ડી. કે. પટેલના સાક્ષી તરીકે મકસૂદ પઠાણે જણાવ્યું હતું કે, પોતે જીઆઈડીસીમાં નોકરી કરે છે. ગોધરાકાંડ બાદનાં તોફાનોના દિવસે ડી. કે. પટેલ બપોરે ૩ વાગ્યે મને પોતાના ઘેર લઈ ગયા હતા અને બીજા દિવસે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે મકરબા પાછળના ભાગે ઉતારી ગયા હતા. જ્યાંથી તેઓ પરિવારના સભ્ય સાથે ઘરે પહોંચ્યા હતા. એ પછી નિઝામુદ્દીન અન્સારીએ મકસૂદની જુબાનીને સમર્થન આપ્યું હતું. આરોપી પૂર્વ કોર્પોરેટર વલ્લભ પટેલના સાક્ષી ગૌતમ પટેલે જુબાની આપી હતી કે, વલ્લભ પટેલ હોસ્પિટલમાં મારી સાથે હતા. દસ વાગ્યાની આસપાસ ત્યાંથી નીકળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ હત્યાકાંડમાં ૧૧ લોકોના મોત થયાં હતાં. શરૂઆતમાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી, જોકે પોલીસ તપાસ સામે આરોપો થતાં મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તેમાં સુપ્રીમ કોર્ટે નરોડા ગામ સહિતના ૯ કેસોની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. સીટે આ કેસમાં સરકારના પૂર્વ પ્રધાન એવા આરોપી માયા કોડનાની સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter