નરોડા પાટિયા કેસમાં માયાબહેન કોડનાની નિર્દોષઃ બાબુ બજરંગી દોષિત

Wednesday 25th April 2018 07:49 EDT
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ફાટી નીકળેલાં રમખાણોમાં ૯૭ લોકોની હત્યા કરાઈ હતી. આ કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે ઓગસ્ટ, ૨૦૧૨માં માયા કોડનાની સહિતના ૩૨ આરોપીને દોષિત અને ૩૦ને નિર્દોષ જાહેર કર્યાં હતાં. આ ચુકાદા સામે દોષિત આરોપીઓ દ્વારા, સીટ તથા ભોગ બનેલાઓ સહિતે કુલ ૧૧ પિટિશન્સ હાઇકોર્ટમાં કરી હતી. જેથી ૨૦મી એપ્રિલે જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ એ. એસ. સુપૈયાની ખંડપીઠે પોતાનો ચુકાદો આપ્યો હતો.
નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે રાજ્યનાં પૂર્વ મહિલા અને બાળવિકાસ પ્રધાન માયાબહેન કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે. બજરંગદળના પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે મૃત્યુ સુધી કેદની સજા આપી હતી તે ઘટાડીને તેને ૨૧ વર્ષની કેદ જાહેર કરી છે.
ડેઝિગ્નેટેડ કોર્ટે ૩૨ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. તેમાંથી એકનું અપીલકારનું સુનાવણી દરમિયાન મોત થયું હતું. નીચલી કોર્ટે કસૂરવાર ઠરાવેલા ૩૧માંથી હાઇ કોર્ટે ૧૩ અને નીચલી કોર્ટે નિર્દોષ જાહેર કરેલામાંથી ૩ એમ કુલ ૧૬ને આ કેસમાં દોષિત ઠેરવ્યાં છે. નીચલી કોર્ટે દોષિત ઠરાવેલામાંથી ૧૮ને નિર્દોષ જાહેર કર્યાં છે. નીચલી કોર્ટે નિર્દોષ ઠરાવેલામાંથી ૩ને કસૂરવાર જાહેર કર્યાં છે. આમાં, ઉમેશ ભરવાડ, પરમિન્દરસિંહ રાજપૂત અને એડ્વોકેટ રાજકુમાર ચૌમલનો સમાવેશ થાય છે.
માયાબહેન કોડનાની હત્યાકાંડના દિવસે ઘટનાસ્થળે જ હાજર હોવાનું ‘બિયોન્ડ રિઝનેબલ ડાઉટ’ સાબિત થઈ શક્યું ન હોવાથી તેમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યાં છે. ડેઝિગ્નેટેડ કોર્ટના જજ જ્યોત્સનાબહેન યાજ્ઞિકે માયાબહેનને કસૂરવાર ઠેરવી ૨૦૧૨માં ૨૮ વર્ષની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે માયાબહેનના અંગત મદદનીશ કિરપાલસિંહ છાબરાને પણ નિર્દોષ જાહેર કર્યા છે. અલબત્ત, બાબુ બજરંગીને આખા હત્યાકાંડના મુખ્ય ષડ્યંત્રકાર ગણાવી દોષિત ઠરાવ્યા છે. આ ઉપરાંત, હરીશ છારા અને સુરેશ લંગડાને કસૂરવાર ઠરાવ્યા છે.

કોડનાની કેમ કસૂરવાર નહીં?

જે સાક્ષીઓએ અગાઉ માયાબહેનની વિરુદ્ધમાં જુબાની આપી હતી. તેમનાં નિવેદનને વિરોધાભાસી ગણીને નિવેદન અવિશ્વસનીય જાહેર કરાયા છે. જે ચાર પોલીસ સાક્ષીઓએ માયાબહેનની તરફેણમાં જુબાની આપી હતી, પણ સેશન્સ કોર્ટે ક્રેડિબલ નહોતા ગણ્યા તેમને હાઇ કોર્ટે ક્રેડિબલ ગણી તેમનાં નિવેદન (કે માયાબહેન ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ઘટનાસ્થળે હતાં જ નહીં)ને માન્ય રાખી નિર્દોષ છોડયાં છે.

‘રાજકારણમાં ફરી આવવાનું નથી વિચાર્યું’

નિર્દોષ જાહેર થયેલાં માયાબહેને કહ્યું છે કે, મેં એક્ટિવ પોલિટિક્સમાં જોડાવવાનું હજુ વિચાર્યું નથી. ભાજપની કાર્યકર છું. ભાજપની કાર્યકર હતી અને ભાજપની કાર્યકર રહીશ. માયાબહેન ભાજપમાંથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આ કપરા સમયમાં મને મારા સંપૂર્ણ પરિવારનો ટેકો મળ્યો છે અને પરિવારે મને આ મુશ્કેલીના સમયમાં શકિત અને દૃઢ મનોબળ પૂરું પાડયું હતું.

બજરંગી મુખ્ય આરોપી

હાઇ કોર્ટે બાબુ બજરંગીને હત્યાકાંડનો મુખ્ય ષડ્યંત્રકાર ગણાવ્યો છે, પણ તેમની સજા ઘટાડી છે. માયાબહેન ઘટનાના દિવસે હિંસક ટોળાની આગેવાની કરી તેમને હિંસા માટે ઉશ્કેરતાં હોવાની જુબાની ૧૧ સાક્ષીઓએ આપેલી, જ્યારે ચાર પોલીસ સાક્ષીઓએ કહેલું કે આ ઘટના સમયે માયાબહેન સ્થળ પર હતાં જ નહીં. હાઇ કોર્ટે ૧૧ સાક્ષીઓની વાતને વિરોધાભાસી ગણી સ્વીકાર નથી કર્યો પણ ચાર પોલીસ સાક્ષીઓની વાતને સમર્થન આપ્યું છે.ૉ

બે સાક્ષી થિયરી

હાઇકોર્ટે સ્પષ્ટ નોંધ્યું કે, તેમણે બે કે તેથી વધુ સાક્ષીઓએ જે આરોપી વિષે નિવેદન એકસરખાં આપ્યાં તેને ગ્રાહ્ય ગણી નિર્દોષ કે કસૂરવારનો નિર્ણય કર્યો છે.

૧૬ કેદીના પરિવારે ફટાકડા ફોડ્યા

હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા ૧૬ કેદીઓને રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના પરિવારજનોએ તેમના સ્વાગતમાં રૂ. ૪૦૦૦ના ફટાકડા ફોડ્યા હતા અને ગુલાલ ઉડાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેલમાંથી મુક્ત થયેલા કેદીઓના પરિવારોએ નિર્દોષ છૂટેલા કેદીઓને ફૂલહાર પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને પોતાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

રૂ. ૨૧ હજારની સુખડીનો પ્રસાદ

કેદીઓ લાંબા સમયથી જેલમાં હોવાથી કેટલાકની બહેનો ૫ વર્ષથી પોતાના ભાઈને રાખડી બાંધી શકી નહોતી. તેથી જ કેટલાક કેદીઓની બહેને જેલ પાસે જ રક્ષાબંધન ઉજવી હતી. એક કેદીના પરિવારે તો રૂ. ૨૧ હજારની સુખડીનો પ્રસાદ વહેંચીને માનતા પૂરી કરી હતી.
કેદીઓના પરિવારજનો રવિવારે વહેલી સવારથી જ સાબરમતી સેન્ટ્રલ જેલ આવી ગયા હતા. જેલમાંથી છૂટેલા કેદીઓએ કહ્યું કે, નવી જિંદગીનો અહેસાસ કરી રહ્યા છીએ સાથે સાથે ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે. ૧૧ વર્ષથી સેન્ટ્રલ જેલમાં બંધ બાબુ રાઠોડ નામના કેદીએ બાધા લીધી હતી અને જેલમાં પણ અખંડ જ્યોત રાખતો હતો. તેણે નિર્દોષ હોવાનું જાણવા મળતા જેલમાં રૂ. ૨૧ હજારની સુખડીનો પ્રસાદ વહેંચ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter