અમદાવાદઃ નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતે નિર્દોષ છોડેલા અને હાઈકોર્ટમાં દોષિત ઠરેલા આરોપીઓ રાજકુમાર ચોમલ, પરમેન્દ્ર રાજપૂત અને ઉમેશ ભરવાડને દોષિત ઠેરવી ગુજરાત હાઈ કોર્ટની જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ. એસ. સુપેહિયાની ખંડપીઠે દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે અને રૂ. ૩૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે.
શરણાગતિ માટે સમય અપાયો
પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવા માટે ૨૫મીએ ત્રણેય આરોપીઓને છ અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવ્યો છે. હાઈ કોર્ટે નોંધ્યું છે કે ગુનાની ગંભીરતા અને પરિમાણ જોતા કોર્ટ સજા બાબતે કોઈ રહેમદિલી કે ઉદાર અભિગમ અપનાવી શકે તેમ નથી. આ કેસમાં કોર્ટ જો ઉદાર અભિગમ અપનાવે તો તે લાંબાગાળે સમાજ માટે અનીચ્છનીય અને અહિતકારી સાબિત થશે. સાક્ષીઓના નિવેદનો પરથી ફલિત થાય છે કે રાજકુમાર ચોમલ અને પરમેન્દ્ર રાજપૂત નરોડા પાટિયા વિસ્તારમાં બનાવના દિવસે સવારે ૧૧:૩૦થી લઈ ૨:૪૫ સુધી જોવા મળ્યા હતા. ઉમેશ ભરવાડ પણ ૩ વાગ્યા આસપાસ ઘટનાસ્થળે હાજર હોય તેવા સંખ્યાબંધ નિવેદનો છે. આરોપીઓએ એવા ટોળાનું નેતૃત્વ કર્યું હતું જેણે ઘણાં સ્થળોએ આગ ચાંપી કુલ ૯૭ લોકોને જીવતા સળગાવ્યા હતા.
આરોપીઓએ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ગુનો નથી કર્યો પરંતુ સમાજના એક મોટા સમૂહને નુકસાન પહોંચાડયું છે. જેના કારણે ઘણાં લોકો સહિત તેમનાં મકાન, દુકાન, મિલકતો, વાહનો સળગીને રાખ થયાં છે. નરોડા પાટિયાસ્થિત નૂરાની મસ્જિદને પણ આ તોફાનમાં સળગાવવામાં આવી હોથી લઘુમતિની ધાર્મિક લાગણી પણ દુ:ભાઈ છે. હાઈ કોર્ટનું અવલોકન છે કે રાજકુમાર ચોમલ વ્યવસાયે વકીલ છે અને પરમેન્દ્ર રાજપૂત શિક્ષક છે. આટલા નમ્ર અને ઉમદા વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ જો આવો ગુનો આચરે તો સમાજમાં અયોગ્ય સંદેશો પહોંચવાની શક્યતા છે. આરોપીઓના કૃત્યના કારણે સંખ્યાબંધ લોકો બેઘર થયા હતા અને રેફ્યુજી કેમ્પમાં આશરો લેવાની ફરજ પડી હતી.
આરોપીઓ તરફથી રજૂઆત
આરોપીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ઘણાં વર્ષોથી જેલમાં છે. જેથી તેમને ઘણું આર્થિક, સામાજિક અને પારિવારિક નુકસાન ભોગવ્યું છે. આ ગુના પહેલાં અને પછી તેમના નામે કોઈ ગુનાઓ નોંધાયેલા ન હોવાથી સજામાં થોડી રાહત મળવી જોઈએ. જેની સામે કોર્ટે નોંધ્યું છે કે કેસની ગંભીરતા જોતા તેમાં દયા, માફી કે વળતરની બાબત ગૌણ બની જાય છે. કોર્ટ પીડિતોની યાતના અને નુકસાનને કોરાણે મૂકી નિર્ણય ન લઈ શકે. ટ્રાયલ કોર્ટે નરોડા પાટિયાકાંડમાં ૩૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ૨૯ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડયા હતા, જે પૈકી આ ત્રણેય આરોપીઓનો સમાવેશ થતો હતો.


