નર્મદા ડેમ પર બ્રિજનું કામ પૂર્ણ

Wednesday 03rd February 2016 07:16 EST
 

રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે નર્મદા ડેમનું કામ શરૂ કરાવ્યા બાદ પહેલી નવેમ્બરે ૨૦૧૪થી નર્મદા ડેમ પરના ટોપલેવલના ૬૯૦ મીટર લાંબા અને ૧૪૬.૫૦ મીટરની ઊંચાઈના બ્રિજનું કામ ચાલતું હતું.
હવે કેવડિયા કોલોની એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમના ટોપ લેવલ ૧૪૬.૫ મીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં નર્મદા ડેમ પર મળીને ૧૨ જેટલા દરવાજા લગાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે રૂ. ૧૬૦ કરોડના ખર્ચે આ બ્રિજ ૨૯ જેટલા સ્પાન પર ઊભો કરાયો છે. જેમાં ૨૩ દરવાજા લાગશે.

 સિરિયલ બ્લાસ્ટ માટે સાયકલ ખરીદનારો ઝડપાયોઃ ક્રાઇમ બ્રાન્ચે ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના એક આરોપીની બેંગલુરુથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ૨૭ જુલાઈ, ૨૦૦૮ના બ્લાસ્ટમાં સાઇકલનો ઉપયોગ કરાયો હતો. એ સાઇકલોની ખરીદી માટે બ્લાસ્ટના મુખ્ય આરોપી ક્યામુદ્દીન કાપડિયાએ મહોમ્મદ રફિક ઉર્ફે જાવેદ ઉર્ફે આલમઝેબ આફ્રિદી માસુકર અહેમદને કામગીરી સોંપી હતી. આફ્રિદીએ સાઇકલ ખરીદીને સંતાડી હતી.

ગુજરાતના પાંચ ગામોને રૂ. ૩૦ કરોડની સહાયઃ કેન્દ્ર સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણય મુજબ રૂરર્બન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના પાંચ ગામોની પસંદગી કરાઈ છે. જેમાં અંબાજી, બહુચરાજી, અલંગ, વાડીનાર, રવાપરનો સમાવેશ થાય છે. રૂરર્બન પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં શહેર જેવી આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આ પાંચેય ગામોને કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ગામે રૂ. ૩૦ કરોડની સહાય મળે. 

સંજય ગુપ્તા સામે આયકર વિભાગની ફરિયાદઃ મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાની ઓરિયન્ટ સ્પા કંપની દ્વારા વર્ષ ૨૦૧૧માં રૂ. ૨૩.૨૬ લાખની આવક દર્શાવ્યા બાદ સમય મર્યાદામાં રિટર્ન નહીં ભરાતાં આયકર વિભાગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૧માં ઓરિયન્ટ સ્પા દ્વારા રિટર્ન ફાઇલ નહી થતાં કોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
વિપુલ ચૌધરીને ત્રણ વર્ષ ચૂંટણી ન લડી શકેઃ ભ્રષ્ટાચારના સજ્જડ પુરાવા વચ્ચે સહકારી ક્ષેત્રમાં વિપુલ ચૌધરીને ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર હાઈકોર્ટે પ્રતિબંધ જાહેર કર્યો છે. ઉદ્યોગ સાથે પાંચ લાખ ખેડૂતો અને એક હજાર જેટલી મંડળીઓ સંકળાયેલી છે ત્યારે ભ્રષ્ટાચારી પ્રવૃત્તિને કારણે લોકોના હિતો જોખમાયાની ફરિયાદ વિપુલ ચૌધરી પર સાબિત થતાં હકોનું રક્ષણ કરવા હાઈકોર્ટ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે.
તિસ્તા સેતલવાડ તપાસમાં સહયોગ કરેઃ સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદની ધરપકડ સામેનો સ્ટે ૧૮ માર્ચ સુધી વધારી દીધો છે, પણ સાથે જ તેમને ચેતવણી આપી છે કે તેઓ તપાસમાં સહયોગ કરે અથવા ધરપકડ માટે તૈયાર રહે. તિસ્તા અને જાવેદ પર ગુજરાતી ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવાના નામે એકત્ર દાનની રકમમાં હેરફેર કરવાનો આરોપ છે.
હવે પર્સનલ ID પરથી ૬ ટિકિટ જ લઈ શકાશેઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ૧૫ ફેબ્રુઆરીથી મહિનામાં વધુમાં વધુ ૬ ઇ-ટિકિટ બુક કરી શકાશે. અત્યાર સુધી આ વેબસાઇટની મદદથી પેસેન્જરો પર્સનલ આઇડીનો ઉપયોગ કરી મહિનામાં ૧૦ ટિકિટો બુક કરી શકતા હતા, પરંતુ મોટી સંખ્યામાં દલાલો ટિકિટ બુક
કરતા હોવાથી ફરિયાદો બાદ આઇઆરસીટીસીએ ૧૫ ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે.
ડિલરોની રૂ. ૪૦૦ કરોડની વેટચોરીઃ પાન-મસાલાના ૧૨ બોગસ ડિલરોની વેટ ચોરીની તપાસ ચાલુ રખાતાં કુલ વેચાણનો આંક રૂ. ૨ હજાર કરોડ અને વેટચોરી રૂ. ૪૦૦ કરોડની બહાર આવી છે. વેટ વિભાગે ૨૯મી જાન્યુઆરીએ વધુ ૪૫ ડિલરો, ૯ ટ્રાન્સપોર્ટરો સાથે અમદાવાદના વ્યાસ એસોસિએટ્સને ત્યાં નોકરી કરતા માસ્ટર માઈન્ડ અમિત પંચોલીના રહેઠાણે દરોડા પાડતા ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
૫૭ કલાકે કૃણાલ નાટ્યાત્મક રીતે હાજર થયોઃ અમદાવાદના ચકચારીભર્યા ભૂમિ આત્મહત્યા કેસનો મુખ્ય આરોપી તેમજ ભૂમિનો પતિ આરજે કૃણાલ ૨૭મી જાન્યુઆરીએ સાંજે ૫૭ કલાક બાદ પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરાઈ છે. ભૂમિ આત્મહત્યા કેસની અગાઉ તપાસ કરનાર એસીપી યુવરાજસિંહ જાડેજા સમક્ષ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કૃણાલ વકીલ સંજય ઠક્કરની સાથે હાજર થયો હતો. જોકે આ કેસની તપાસ આનંદનગર પોલીસ કરી રહી હોવાથી કૃણાલને આનંદનગર પોલીસને સોંપી દેવાયો છે.
કાપડના વેપારીની દુબઈની બેન્ક સાથે ઠગાઈઃ સુરતમાં કાપડની પેઢી ચલાવતા કૃષ્ણકુમાર ખેતાને દુબઈની બેન્ક ઓફ ફુજૈરાહમાંથી રૂ. ૪.૮૬ કરોડની લોન પાસ કરાવી હતી અને ત્યાંના વેપારી સાથે વ્યાવસાયિક કરાર કર્યા હતા. કરાર મુજબ આગળ ન વધતાં ખેતા વિરુદ્ધ રૂ. ૮૮.૭૮ લાખની ચિટિંગનો કેસ દુબઈમાં કેસ થતાં તે સુરત ભાગી આવ્યા હતા. દુબઈ એમ્બેસી દ્વારા આ મામલાની જાણ ભારત સરકારને કરાતા સુરત પોલીસે આ મામલે આ વેપારી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter