નવી દિલ્હી: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર દરવાજા લાગ્યા બાદ પહેલીવાર સરદાર સરોવર ઓવર ફ્લો થયો છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૬ઠ્ઠી ઓગસ્ટે સવારે છલકાવાનો શરૂ થઈ ગયો હતો. સવારે ૬.૦૦ વાગ્યે ૧૨૨ મીટરના લેવલે છલકાઈ ગયો હતો. ડેમમાં ૧૭૪૭૬૯ ક્યુસેક પાણીની આવક તથા ૬૭૯૯૭ ક્યુસેક પાણીની જાવક થઈ રહી હતી. ૫૭૦૫ ક્યુસેક પાણીથી ડેમ છલકાઈ ગયો હતો. ડેમ પરના CHPHના ૪ યુનિટ તથા ABPHના છ યુનિટ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ હતા ત્યારે તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માત્ર ૧૭ દિવસના ટૂંકા ગાળામાં નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપતાંની સાથે જ ડેમ પર દરવાજા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નર્મદા ડેમ પર હાલ સુધીમાં ૧૪ જેટલા દરવાજા સંપૂર્ણ રીતે કાર્યરત કરી શકાય તેવી સ્થિતિમાં છે અને બાકી દરવાજા મૂકવાનું કામ માર્ચ ૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
નર્મદા ડેમ પર દરવાજા મૂકવાના કામને મંજૂરી મળતાં છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં ૨૯ પીલર્સ, ૩૦ રેડિયલ ગેટના કામ પૈકી ૨૨ રેડિયલ ગેટનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે.
બાકીના ૮ રેડિયલ ગેટ મૂકવાનું કામ આગામી માર્ચ ૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની લાખો હેક્ટર જમીનમાં નર્મદાનું સિચાઈનું પાણી ખેડૂતોને મળશે.


