ભરુચઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ યોજના ૫૬ વર્ષમાં પ્રવેશી ચૂકી છે. પ્રવાસન વર્ષની ઉજવણી અંતર્ગત ૨૦૦૫થી નર્મદા ડેમ નિહાળવા આવતા પ્રવાસીઓની ગણતરી દર વર્ષે રાખવામાં આવે છે. વર્ષ ૨૦૦૫થી લઈને અત્યાર સુધીમાં ૧૧ વર્ષમાં નર્મદા ડેમને દેશ અને દુનિયામાંથી ૬૭,૧૨,૫૪૬ લોકો નિહાળી ચૂક્યાં છે. ડેમ પ્રવાસન વિભાગને જે થકી રૂપિયા ૭૩૩ લાખની આવક થઈ છે.
નર્મદા ડેમ ખાતે છલકાતા પ્રવાસીઓની ગણતરી કરવાનું કામ નર્મદા નિગમ પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન વર્ષની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૦૫થી શરૂ થયું છે. દેશ અને દુનિયામાંથી ખાસ કરીને નર્મદા ડેમને ઓવરફ્લો થતો જોવા માટે ચોમાસાની મોસમમાંજ સૌથી વધુ પ્રવાસીઓ નર્મદા ડેમ વિસ્તારમાં આવે છે. વર્ષ ૨૦૦૮માં સૌથી ઓછા ૩.૩૭ લાખ લોકો ડેમની મુલાકાતે આવ્યા હતા જ્યારે વર્ષ ૨૦૧૩માં ડેમ ૬૦ દિવસ સુધી ઓવરફ્લો થયો હતો તેથી ૧૦ લાખ પ્રવાસીઓ આ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા.
નર્મદા ડેમની ગેલેરી
નર્મદા બંધ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રદર્શન ગેલેરી ખુલ્લી મૂકવાની વિચારણા કરી રહ્યો છે. નર્મદા બંધની સામે આવેલા પાર્કિંગ સ્ટેન્ડમાં ગેલેરી બનાવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ૭મી ઓગસ્ટે પ્રવાસન નિગમના ચેરમેન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં ગેલેરીને ખુલ્લી મૂકવામાં આવશે.


