ગાંધીનગરઃ ધારીના ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયાએ વસ્ત્રાપુરમાં રહેતા બિલ્ડર મધુભાઈ પટેલની ઓફિસમાં ધસી જઈને ફેંટ પકડીને મારામારી સાથે રૂ. બે કરોડની ખંડણી માગી હોવાનો વીડિયો વાઇરલ થયા ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ મથકમાં કોટડિયા સામે ખંડણી અને લૂંટની ફરિયાદ બિલ્ડરે ૨૮મી જુલાઈએ નોંધાવી હતી. આ કેસમાં કોટડિયાએ કરેલી આગોતરી જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય અદાલતે પહેલી ઓગસ્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત રૂ. ૪ કરોડ પાર્ટી ફંડમાં આપીને વસાણી બિલ્ડરની જમીન ક્લિયર કરાવવા અંગેનું ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ અને ધારાસભ્ય નલિન કોટડિયાની થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ૨૯મી જુલાઈએ વાયરલ થતાં પક્ષમાં ભૂકંપ આવ્યો હતો.
આ કિસ્સા બહાર આવ્યા પછી કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રજાના નહીં, પણ ભાજપ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિઓ અને જમીન માફિયાઓ એવા બિલ્ડરોનો વિકાસ થયો છે. સામાન્ય વેપારીઓની કડક તપાસ કરતા ઇન્કમટેક્સ એન્ફોર્સમેન્ટ ભાજપ અને તેના ભૂ-માફિયા વસાણી પરિવારના રૂ. ૧૧,૧૭૧ કરોડના જમીન કૌભાંડની તપાસ કેમ કરતા નથી?


