સુરતઃ રાજદ્રોહના ગુનામાં નવ મહિનાથી જેલમાં બંધ હાર્દિક પટેલને ગુજરાતની બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. જોકે, કાયદાકીય પ્રક્રિયાને લઇને હાર્દિક પટેલને આગામી ૧૫મીએ જેલમાંથી મુક્તિ મળશે, પરંતુ ૯મીએ હાર્દિક પટેલને જેલમાં મળવા ગયેલા તેના વકીલ યશવંત વાળાને તેણે એક લેટર આપ્યો હતો. લેટરમાં હાર્દિકે લખ્યું હતું કે, તે નવ મહિના જેલમાં રહીને ઘણું બધું શીખી ગયો છે. માના પેટમાં નવ મહિના અને જેલના નવ મહિના મળીને ૧૮ મહિનામાં રાજકારણની ગંદકી કેમ સાફ થાય તે શીખી લીધું છે એટલું જ નહીં હું ક્યારેય અમિત શાહ કે ભાજપ તથા કોંગ્રેસના ટોચના નેતાઓને મળ્યો નથી. તેમજ પાટીદાર અનામત આંદોલન અમિત શાહ પ્રેરિત નથી. આ પાટીદાર સમાજનું આંદોલન છે. હાર્દિકના આ નિવેદનને કારણે આંદોલન પાછળ અમિત શાહ જ હોવાની ચર્ચા ચાલુ થઈ છે. રાજદ્રોહના ગુનામાં ૧૯મી ઓક્ટોબરથી લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને છ મહિના ગુજરાતની બહાર અને ત્રણ મહિના મહેસાણાની બહાર રહેવાની જામીનમુક્ત કરવામાં આવ્યો છે.


