અમદાવાદ: ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રધાનોને કમલમમાં બેસાડવાની પ્રથા શરૂ કરી દીધા બાદ વધુ એક ફરમાન જારી કર્યુ છે. હવે પાટીલે પ્રધાનોને એવો આદેશ આપ્યો છે કે, જિલ્લામથકોએ જઇને કેન્દ્ર - રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરો જેથી લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ આવે અને લોકોને સરકારી યોજનાનો લાભ મળે. પ્રધાનોને સચિવાલયની એસી ઓફિસો છોડીને પ્રજા વચ્ચે જવા સૂચના અપાઇ છે. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખના એક પછી એક નિર્ણયને પગલે પ્રધાનો પણ મૂંઝવણમાં મૂકાયા છે.
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ પાટીલે ભાજપ સંગઠન પર જ નહીં, સરકાર પર પણ કબજો મેળવી લીધો છે. પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી પ્રધાનોને કમલમમાં બેસાડવાનું શરૂ કર્યુ છે. દર અઠવાડિયે બે પ્રધાનોને કમલમમાં આવી કાર્યકરોની રજૂઆત સાંભળવાનો આદેશ કરાયો છે. આ નવી પ્રથાનો હજુ ગણગણાટ થમ્યો નથી. ત્યાં પાટીલે નવો આદેશ જારી કર્યો છે કે, હવે પ્રધાનોએ દર શુક્રવાર, શનિવાર અને રવિવારે જિલ્લા મથકોએ જવુ પડશે અને જયાં કાર્યકરો-લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરવાના રહેશે.
કેન્દ્ર-રાજ્યની કેટલીય યોજનાઓ એવી છે કે જેના વિશે હજુય લોકો અજાણ રહ્યાં છે પરિણામે લોકો યોજનાના લાભથી વંચિત રહે છે. આ જોતાં પાટીલે પ્રધાનોને જ નહીં, બોર્ડ-નિગમના ચેરમેનોને જિલ્લા મથકે જવા સૂચના આપી દીધી છે. હવે અઠવાડિયાના અંતિમ ત્રણ દિવસ પ્રધાનોએ જિલ્લામાં જ કાર્યકરો સાથે ગાળવા પડશે તે નક્કી છે.


