અમદાવાદઃ બોપલમાં જીમખાના રોડ પર રહેતા અને નવનીત પ્રકાશનના ડાયરેક્ટર નવીનભાઇ નાનજીભાઇ શાહ ૨૫મી જુલાઈએ અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ પાસેથી હરસ્યમય રીતે ગુમ થયા હતા. ક્રાઇમબ્રાંચે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલના આધારે શોધ્યું કે, ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે દેવનંદન ફ્લેટમાં રહેતા અને અગાઉ નવનીત પ્રકાશનમાં નોકરી કરી ચૂકેલા જિજ્ઞેશ ઉર્ફે જિગો કિશનભાઇ ભાવસાર તેમજ સાબરકાંઠાના પોગલું ગામના રમેશ નથુરભાઇ પટેલનો તેમના ગુમ થવામાં હાથ છે તેથી બંનેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જિજ્ઞેશે નવીનભાઇની રૂ. પાંચ કરોડની ખંડણી માટે આ કાવતરું રચ્યું હતું. નવીનભાઇને ફોન કરીને પ્રેસમાં ચાલતા યુનિયનની તકરાર સંદર્ભે સમાધાન કરાવી આપવાના બહાને જિજ્ઞેશે બોલાવ્યા હતા. જ્યાં બાકરપુરના વતની શૈલેષ પ્રભુદાસ પટેલ અને રમેશ પટેલ સહિતના મિત્રો કારમાં બેઠેલા હતા તેઓ નવીનભાઇને કારમાં બેસાડીને અન્ય લોકો કેનાલ પાસે હાજર છે તેમની સાથે બેઠક કરાવવાનું કહીને કારમાં બેસાડીને પ્રાંતિજ તરફ લઇ ગયા હતા. આરોપીઓએ એ પછી કારમાં જ કરોડોની માગ કરી હતી અને નવનીતભાઈ તથા આરોપીઓ વચ્ચે ઝપાઝપીમાં આરોપીઓએ તેમનું મોઢું અને ગળું દબાવી દેતાં તેમનું મોત થયું હતું. તેમની લાશ મેઘરજ પાસે સગેવગે કરાઈ હતી. તેવું પોલીસે જણાવ્યું છે.
છ ભાઇઓનો પરિવાર
નવનીત પ્રકાશન પરિવારમાં છ ભાઇઓનો સમાવેશ થાય છે. જેમાં હરખચંદ ગાલા, ધનજીભાઇ ગાલા, લાલજીભાઇ ગાલા અમરચંદ ગાલા, શાંતિભાઇ ગાલા અને ડુંગરસીભાઇ ગાલાનો સમાવેશ થાય છે, જેમાં લાલજીભાઇ ગાલાની પુત્રી કંચનબહેન સાથે નવીનભાઇ શાહના લગ્ન થયા હતા. જોકે નવીનભાઇને કોઇ સંતાન નથી.


