નવરાત્રિમાં ગરબાને કારણે કોરોનાનો રાફડો ફાટશે, કોઈ છૂટછાટ ન આપતાંઃ અમદાવાદ મેડિકલ એસોસિએશન

Wednesday 16th September 2020 07:47 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા ચાલતી હોવાના સંકેત વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોનાબહેન દેસાઈએ ૧૧મી સપ્ટેમ્બરે સરકારને વિનંતી કરી હતી કે, નવરાત્રિમાં ગરબાના કાર્યક્રમને છૂટછાટ આપવી ન જોઈએ. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઘરે ઘરે ઈન્ફેક્શન છે. આ મહામારી સમયે નવરાત્રિની ઉજવણીમાં ભીડ ભેગી થશે તો કોરોના સંક્રમણ વધશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે, અત્યારે કોરોનામાં મોતનો દર ઓછો છે, પરંતુ સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. મહામારીના સમયમાં જીવન જરૂરી છે. અસંખ્ય ડોક્ટરો મહિનાઓ સુધી પોતાની ફેમિલી-લાઈફને જોયા વિના ખડેપગે કામ કરે છે. હવે તો પહેલેથી સંક્રમિત થયેલા ડોક્ટરો ફરી સંક્રમિત થઈ રહ્યાં છે. આપણે રથયાત્રા, મોહરમ, ગણેશ ચતુર્થી જેવા તહેવારો ઉજવ્યા નથી. લોકોનું હિત એમાં જ છે કે નવરાત્રિમાં કાર્યક્રમોને મંજૂરી ન અપાય. કોરોનાના વધતાં કેસ વચ્ચે ગરબાનું આયોજન ઠીક નથી. નહિતર સંક્રમણ વધશે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે પણ ડોક્ટર્સ એસોસિએશનની વાતમાં સૂર પુરાવતાં કહ્યું છે કે, જ્યાં લોકો ભેગા થતા હોય તેવા ઉત્સવો ટાળવા જોઈએ. નવરાત્રિમાં ગરબા કાર્યક્રમ યોજવા જોઈએ નહીં. અમદાવાદ – વડોદરાના કેટલાક મોટા ગજાના ગરબા આયોજકોએ પણ નવરાત્રિ આયોજન ન થવા જોઈએ તેવો સૂર પુરાવ્યો છે તો બીજી તરફ કેટલાક કલાકારોએ અને આયોજકોએ સરકાર પર નવરાત્રિ આયોજન માટે દબાણ વધાર્યું છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં નવરાત્રિના ગરબાનું આયોજન થાય તે અંગે સંકેતો આપ્યા છે, અલબત્ત, મોટાભાગનો વર્ગ માને છે કે, નવરાત્રિના ગરબાની ઉજવણી પ્રજાહિતની વાત નથી. સરકાર લોકપ્રિય થવા માટે પગલું ભરવા જઈ રહી છે. જે ખોટું છે. નવરાત્રિના કાર્યક્રમને મંજૂરી મળે તો સંક્રમણ વધશે. કેટલાક ગરબા આયોજકોએ સરકાર પર દબાણ વધાર્યું છે. કેટલાક લોકોએ પણ એવું વ્યક્ત કર્યું છે કે ગરબા આયોજનો કરવા અંગે સરકાર લોકપ્રિય થવા માટે લોકોના જીવ-સ્વાસ્થ્યને જોખમમાં મૂકશે.

ગરબા ન થવા જોઈએ: સર્વેમાં ૭૬ ટકા લોકોનો મત

તાજેતરમાં જ એક ખાનગી સંસ્થાનો સર્વે બહાર આવ્યો છે, જેમાં ૭૬ ટકા લોકોએ એવો અભિપ્રાય આપ્યો છે કે, નવરાત્રિમાં ગરબાના કાર્યક્રમોનું આયોજન ના થવું જોઈએ. મોટાભાગના લોકોના મતે મહામારીના સમયમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે અગત્યનું છે. કારણ કે જો શરતોને આધીન રહીને પણ મંજૂરી મળશે તોય સોશિયલ ડિસ્ટન્સના લીરા ઊડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter