નવરાત્રીના મોટા આયોજનોને મંજૂરી નહીં, શેરી ગરબા માટે વિચારીશુંઃ નીતિન પટેલ

Monday 05th October 2020 16:13 EDT
 
 

ગાંધીનગરઃ કોરોના સંકટ વચ્ચે રાજય સરકાર દ્વારા દર વર્ષે યોજાતો વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ રાખવાની મુખ્ય પ્રધાન રૂપાણીએ જાહેરાત કર્યા પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તાજેતરમાં જણાવ્યું હતું કે, મોટા મેદાનોમાં મોટા પાયે થતાં નવરાત્રી આયોજનોને મંજૂરી નહીં મળે, તેની શક્યતા નહિવત્ છે. જોકે નવરાત્રીમાં શેરી-મહોલ્લાઓમાં ઘર આંગણે થતા માતાજીના ગરબા માટે સરકાર વિચાર કરશે. નીતિન પટેલે કહ્યું કે, અનલોક-૫.૦ની ગાઈડલાઈન જાહેર થતાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર અભ્યાસ કરશે અને એ પછીથી શેરી ગરબા સંદર્ભે નિર્ણય લેવાશે. તેમણે જણાવ્યું હતું કે, ખુલ્લા મેદાન એટલે કે સોસાયટી, મહોલ્લાના મેદાન બાબતે હજુ કશું નક્કી થયું નથી, પણ કેન્દ્રની માર્ગદર્શિકામાં બંધ હોલમાં ૨૦૦ લોકો એકઠા થઇ શકે તેવી જોગવાઈ છે. તેથી બંધ હોલમાં ૨૦૦ જેટલા લોકોને ગરબા કરવા માટે મંજૂરી મળી શકે છે. જો બંધ હોલમાં નવરાત્રીના આયોજન માટે કદાચ છૂટ અપાય તો રાજ્ય સરકારે માત્ર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશન જેવી માર્ગદર્શિકાનું પાલન થયું છે કે નહીં તે જોવાનું રહેશે. આ ગાઇડલાઇન કેન્દ્ર સરકારની હોવાથી બંધ હોલમાં ૨૦૦થી માણસો વધે કે કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થાય તો અમારે કાર્યવાહી કરવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter