ગાંધીનગર: નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે અને ગુજરાના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે ૨૨મી મે ૨૦૧૪ના રોજ ખૂબ આન, બાન અન શાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાનની રાજગાદી ઉપર બિરાજનારાં આનંદીબહેન પટેલે બે વર્ષ બે મહિના અને ૧૧ દિવસ બાદ ત્રીજી ઓગસ્ટે વિધિવત રાજીનામું આપી દીધું છે. ત્રીજીએ સાંજે પાટનગર રાજભવનમાં મંત્રીમંડળનાં સાથી પ્રધાનો સાથે જઈ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીને મુખ્ય પ્રધાને એમનું પોતાનું તથા એમના પ્રધાન મંડળનું રાજીનામું સોંપી દીધું હતું. અલબત્ત, શિરસ્તા પ્રમાણે નવા મુખ્ય પ્રધાન અને એમના પ્રધાનોના શપથ ના લેવાય ત્યાં સુધી આનંદીબહેનને હંગામી ધોરણે રાજ્યની સંભાળી લેનારા મુખ્ય પ્રધાન તરીકે તથા તેમની સરકારને રખેવાળ સરકાર તરીકે ચાલુ રહેવા રાજ્યપાલે જણાવ્યું છે.
પહેલી ઓગસ્ટે ફેસબુક ઉપર રાજીનામું પોસ્ટ કરનારા આનંદીબહેને ત્રીજીએ સાંજે રાજભવનમાં જતાં પહેલાં મીડિયાને કોઈપણ પ્રતિક્રિયા આપવાનું સ્પષ્ટ રીતે ટાળ્યું હતું. રાજભવનની બરાબર સામે આવેલા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સત્તાવાર નિવાસસ્થાને આયોજન મુજબ ચુડાસમા સહિત કેબિનેટ પ્રધાનો નીતિન પટેલ, વિજય રૂપાણી, રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, બાબુ બોખીરિયા તેમજ રાજ્ય કક્ષાના પ્રધાનો પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી, ગોંવિદ પટેલ, છત્રસિંહ મોરી ત્રીજીએ બપોરે સાડા ચાર વાગે એકઠા થયા હતા. આ પ્રધાનો પાંચ વાગ્યાના સમય પ્રમાણે પાંચ મિનિટ અગાઉ સામે રાજભવનમાં પ્રવેશ્યા એ પછી સીએમ હાઉસમાંથી મોટરકારના કોન્વોય સાથે આનંદીબહેનની ગાડી આવી હતી.
બંધ ગાડીના કાચમાંથી એમણે મીડિયા તરફ માત્ર હાથ હલાવ્યો હતો અને એમની કાર સીધી રાજભવનના પોર્ચમાં જતી રહી હતી. રાજભવનમાંથી દસેક મિનિટ બાદ બહાર આવેલા આનંદીબહેન કારમાંથી મીડિયા તરફ ફરી હાથની એ જ મુદ્રા દર્શાવી જતા રહ્યા હતા. એમની પાછળ બહાર આવેલા ‘કેર ટેકર’ પ્રધાનોએ જણાવ્યું હતું કે, આનંદીબહેને શિરસ્તા મુજબ પોતાનું તથા પોતાના પ્રધાનમંડળનું રાજીનામું આપતો ટૂંકો પત્ર રાજ્યપાલને સોંપ્યો પછી એમને બીજી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી કામચલાઉ રીતે ચાર્જ સંભાળવાનું જણાવ્યું છે. રાજભવનમાં જતી વખતે રસાલામાં સામેલ થનારા પ્રધાનોમાં ભૂપેન્દ્રસિંહ, વિજય રૂપાણી અને શંકર ચૌધરી ભારે નિસ્તેજ જણાયા હતા. અગાઉ હોંશે હોંશે નવી પવન ઊર્જા નીતિની ઘોષણા કરનારા ઊર્જા પ્રધાન સૌરભ પટેલ તથા ગૃહરાજ્ય પ્રધાન રજનીકાંત પટેલની રસાલામાં ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી.


