નવી પોલીસી ઘડીને છ વર્ષમાં ૪૫૦ કિ.મી. મેટ્રોરેલનું નેટવર્ક ઊભું કર્યુંઃ મોદી

Tuesday 19th January 2021 07:52 EST
 
 

ગાંધીનગર: વડા પ્રધાન મોદીએ સોમવારે સવારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું તથા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્ય પ્રધાન હરદીપસિંહ પુરી નવી દિલ્હીથી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મહાત્મા મંદિરથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો એક કોરિડોર અને જીએનએલયુથી ગિફ્ટસિટી સુધીનો બીજો કોરિડોર બનશે. સુરતમાં સરથાણાથી ડ્રીમસિટી અને ભેસાણથી સંથેલી મેટ્રોરેલથી જોડાશે. રૂ. ૧૭ હજાર કરોડથી વધુ રકમના આ બંને પ્રોજેક્ટથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રેરકબળ મળશે.

મોદીએ કહ્યું કે, ભૂતકાળની સરકારોએ શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ નક્કર આયોજન કર્યું નહીં અને એમની પાસે કોઈ ચોક્કસ નીતિ પણ નહોતી. શહેરો પોતપોતાની રીતે મેટ્રોનું આયોજન કરતા હતા. અમે મેટ્રોરેલની પોલીસી લાવ્યા જેથી વર્ષ ૨૦૧૪ પહેલાં જે માત્ર ૨૫૦ કિલોમીટરનું મેટ્રોરેલનું નેટવર્ક હતું તેમાં ૬ વર્ષમાં ૪૫૦ કિલોમીટરના નેટવર્કનો ઉમેરો થયો. આજે ૨૭ શહેરોમાં આશરે ૧ હજાર કિલોમીટરના મેટ્રોરેલના કામો પ્રગતિમાં છે.

વડા પ્રધાને કહ્યું કે, ગાંધીનગર જે એક સમયે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓના નગર તરીકે ઓળખાતું હતું તેને સમયબદ્ધ આયોજન દ્વારા જીવંત સ્વપ્નશીલ શહેર બનાવી દીધું છે. એવી જ રીતે સુરતમાં ભૂતકાળમાં ૨૦ ટકા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હતી તે હવે માત્ર ૬ ટકા જ રહી છે.

વડા પ્રધાને ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજના, અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન યોજના, ડિજિટલ સેવાસેતુ યોજના, કિસાન સૂર્યોદય યોજના, ઘોઘા-દહેજ રોપેક્સ ફેરી સર્વિસ જેવી વિવિધ યોજનાઓની વિગતો પણ આપી હતી.

ગુજરાતની વિકાસયાત્રામાં વધુ એક યશછોગું: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રોરેલના બીજા ચરણના અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટના ભૂમિપૂજનથી ગુજરાતની વિકાસ યાત્રામાં વધુ એક યશછોગું ઉમેરાયું છે. અગાઉ દેશમાં માત્ર પાંચ શહેરોમાં મેટ્રોરેલનું ૨૫૦ કિ.મી. નેટવર્ક હતું. જે વધીને હવે ૧૮ શહેરોમાં ૭૦૮ કિ.મી. નેટવર્ક થયું છે અને આવનારા દિવસોમાં આ ગતિ વધવાની છે. એમણે અમદાવાદની બીઆરટીએસનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે, માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ અદ્યતન બનાવવાની દિશામાં મેટ્રોરેલ પ્રોજેક્ટ મહત્ત્વનું પગલું સાબિત થશે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટ ૨૦૨૨માં પૂર્ણ કરવાની નેમ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ જાહેર કરતાં જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસ સરકારો ગુજરાત પ્રત્યે અન્યાયભર્યું વલણ રાખતી હતી, પરંતુ વડા પ્રધાન મોદીએ ગુજરાત તરફ વિશેષ ઝોક રાખ્યો છે જેથી પાછલા દોઢ-બે મહિનામાં કોરોના મહામારી હોવા છતાં ગુજરાતને એઇમ્સ, વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, રોપેક્સ ફેરી સર્વિસ, સી-પ્લેન સર્વિસ, ગિરનાર રોપ-વે જેવા અનેક પ્રકલ્પો ગુજરાતને મળ્યા છે. એમણે એમ પણ ઉમેર્યું હતું કે, રાજ્યના અન્ય શહેરો-નગરોમાં મોનોલાઇટ મેટ્રો જેવી સુવિધા આપવાની દિશામાં પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter