ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૯મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ માટે ચોથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટને ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, ૨૦૧૧માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આ ઈન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટનું આયોજન શરૂ થયું ત્યારે ૨૫ દેશોએ ભાગ લીધો હતો, આજે ૫૦ દેશો ભાગ લઈ રહ્યા છે, ગુજરાતની નવી પ્રવાસન નીતિને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, અત્યાર સુધીમાં રોકાણ માટે મળેલી ૫૦ દરખાસ્તોમાં ૩ હજાર કરોડના એમઓયુ થઈ ચૂક્યાં છે અને આ ટ્રાવેલ માર્ટમાં ૪,૫૦૦ બિઝનેસ ટુ બિઝનેસ બેઠકોમાં ૧ હજાર કરોડના વધુ રોકાણના એમઓયુ થવાના છે.
ફિક્કીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ પંકજ પટેલે રાજ્યની નવી ટૂરિઝમ પોલિસીમાં ટૂરિઝમને ઉદ્યોગનો દરજ્જો આપવા બદલ સરકારની સરાહના કરી હતી. કેનેડાના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ જોહાન રીવે જણાવ્યું હતું કે, કેનેડામાં પશ્ચિમ ભારતના લોકો ટૂરિસ્ટ તરીકે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. કેન્દ્રના ટૂરિઝમ મંત્રાલયના સચિવ વિનોદ ઝુત્સીએ કહ્યું કે, ટૂરિઝમ વિકાસ માટેની કેન્દ્રની બે સ્કીમમાં ગુજરાતની રૂ. ૧૩૦ કરોડની બે દરખાસ્ત મળી છે.

