નાઇટશિફ્ટ છે કહીને પતિ બે પત્નીના ઘરે એક-એક દિવસ રોકાતોઃ માર્કેટમાં બન્ને પત્નીની મુલાકાતે ૮ વર્ષે ભાંડો ફોડ્યો

Wednesday 17th April 2019 10:18 EDT
 

અમદાવાદઃ શહેરના બાપુનગરમાં રહેતા એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બન્ને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બન્ને સાથે એક-એક રાત રોકાતો હતો, પરંતુ આ બન્ને પત્ની માર્કેટમાં ભેગી થઈ જતાં ૮ વર્ષે ભાંડો ફૂટ્યો છે. થોડા દિવસ પહેલાં મહિલા હેલ્પલાઇન ‘અભયમ્’માં ફોન કરીને બાપુનગરની રાવી નામની યુવતીએ મદદ માગી હતી કે, ‘મારા પતિ તેની બીજી પત્ની દીપિકા સાથે તેના ઘરમાં છે. પતિનું એક્ટિવા બહાર પડ્યું છે, પણ હું અંદર નહીં જાઉં. તમે આવો.’ હેલ્પલાઇનના કાઉન્સેલર પહોંચ્યા હતાં. રાવીએ તેમને જણાવ્યું કે, ‘મારાં લગ્ન ૨૦૧૨માં જિજ્ઞેશ મિશ્રા સાથે થયા હતા. અમારે સાડા પાંચ વર્ષનો દીકરો છે. ૧૫ દિવસ પહેલા મને પતિના બીજા લગ્નની જાણ થતાં મેં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.’
પતિના અન્ય લગ્નની વિશે મહિલાએ જણાવ્યું કે, ‘એક વાર મેં ફેસબુક પર અન્ય યુવતી સાથે મારા પતિના ફોટા જોયા હતા. ત્યારે મેં તેમને પૂછયું કે આ યુવતી કોણ છે? ત્યારે તેમણે મને કહ્યું કે તે મારી મિત્ર છે અને હું માની ગઈ હતી. ૧૫ દિવસ પહેલા હું ગોતા માર્કેટમાં મારી દેરાણી સાથે કામસર ગઈ હતી જ્યાં મારા પતિ સાથે ફોટામાં રહેલી દીપિકા સામે મળતાં મેં તેના જિજ્ઞેશ સાથેના ફોટા બતાવી પૂછયું હતું કે જિજ્ઞેશ તમારો શું થાય? ત્યારે તેણે જિજ્ઞેશ તેના પતિ હોવાનું કહ્યું હતું. આ વાત મેં ઘરે આવી મારાં સાસરિયાને કરતાં તેમણે મને કહ્યું હતું કે, આ વાતની અમને ખબર છે તારે જે કરવું હોય તે કરજે. આથી મને આઘાત લાગતાં મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.’
બીજી તરફ દીપિકાને પણ જિજ્ઞેશે બીજા લગ્ન કર્યા હોવાની ત્યારે જાણ થઇ હતી જ્યારે પોલીસે જિજ્ઞેશ સામે થયેલી ફરિયાદ સંદર્ભે તેનો સંપર્ક કર્યો હતો.
બન્ને પત્નીને એક-એક સંતાન દીપિકા અને જિજ્ઞેશે ૨૦૧૧માં પ્રેમલગ્ન કર્યાં હતાં અને હાલ દીપિકાને અઢી વર્ષનો દીકરો છે. મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલરે દીપિકા અને રાવી બન્ને પૂછયું કે, તમને કેમ આટલાં વર્ષો સુધી જિજ્ઞેશની આ ચાલબાજીની ખબર ન પડી? ત્યારે બન્નેએ કહ્યું કે, જિજ્ઞેશ એક રાત આવતો અને બીજા દિવસે કહેતો કે હું લેબોરેટરીમાં નાઇટ શિફ્ટમાં કામ કરું છું. આમ કહી તે બન્ને ઘરે એક એક દિવસ રોકાતો હતો. (અહેવાલમાં યુવતીના નામ બદલ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter