ગાંધીનગરઃ નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે. મહાત્મા મંદિરમાં મોદીના હમશકલ જૈનને કોલેજીયન યુવાનો વડા પ્રધાન મોદીના ભાઈ સમજીને ‘સેલ્ફી’ લેવા પડાપડી કરતા હોવાથી દિલ્હીના આ ઉદ્યોગપતિ સેમિનાર હોલની બહાર ઉભી કરેલી ફોફી શોપમાં જઇને બેસી રહ્યા હતા.
રોકાણકર્તાઓ સાથે આવેલા જૈને કહ્યું કે ‘વડા પ્રધાન મોદી સાથે મારો ચહેરો મળતો હોવાથી દિલ્હીમાં પણ અનેક લોકો મને તેમનો ભાઈ માની લે છે, પરંતુ ખરેખર એવું નથી. આમાં પણ હું મારું નામ મનમોહન હોવાનું એટલે તો સામેની વ્યક્તિ ચોંકી જાય છે આથી જ હું હવે મારી ઓળખ એમ. કે. જૈન તરીકે જ આપું છું’.
તેમણે ગુજરાતમાં આસ્થા ઈન્ફ્રાલાઈવ્સ લિમિટેડના ડિરેક્ટરો સાથે મળીને અડાલજ પાસે ૧૦૦ એકરમાં ડિવાઈન અને એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપવા માટે એમઓયુ કર્યો હતો. આ પાર્ક ઉપરાંત ગુજરાતના ધાર્મિક સ્થળોએ હેલિપેડ બનાવવા અને હેલિકોપ્ટરની કનેક્ટિવિટી આપવા રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે પણ કરારો કર્યા હતા.
૧૪ વર્ષના ટેણિયાએ કર્યા એમઓયુ!
વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૭માં મૂડીરોકાણ માટેનો એક કરાર ૧૪ વર્ષના ટેણિયાએ કર્યો છે. વાત સાંભળીને જ કોઇ ચોંકી જાય, પણ આ હકીકત છે. અમદાવાદના ટીનેજરે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે રૂ. પાંચ કરોડનો એમઓયુ કર્યો છે. જમીનમાં ડ્રોનની મદદથી માઈન શોધવા અંગેનો આ પ્રોજેક્ટ છે.
અમદાવાદના બાપુનગર નજીક રહેતા ૧૪ વર્ષીય હરવદન ઝાલાએ રાજ્ય સરકાર સાથે આ એમઓયુ સાઈન કર્યા ત્યારે હાજર સૌ મહાનુભાવો અચંબામાં મુકાઈ ગયા હતા. મહત્ત્વનું છે કે, વાઈબ્રન્ટમાં સ્ટાર્ટઅપ માટેનો રોડમેપ તૈયાર કરવાનો પણ એક્શન પ્લાન સેમિનાર યોજાયો હતો. જેમાં નવા સાહસિકોને પડતી તકલીફો દૂર કરવા ચોક્કસ નીતિ ઘડવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત સમિટમાં બે ઈંચનું સીપીયુ બનાવનાર અન્ય એક યુવાને ૧૩ કરોડ રૂપિયાનો એમઓયુ સાઈન કર્યો છે. ગાંધીનગરમાં પ્રતીક પરમાર નામના યુવાને આ એમઓયુ કર્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.


