નારાજને મનાવવા નથી બેઠાં, કામ કરશો તો પદ મળશે: અમિત શાહ

Wednesday 27th June 2018 07:23 EDT
 
 

ગાંધીનગર: ભાજપની બે દિવસીય ચિંતન શિબિરના અંતિમ દિવસે ૨૫મી જૂને પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે લોકસભા માટે તૈયાર કરાયેલાં રોડમેપને આંખ બંધ કરીને ચુસ્તપણે અનુસરવાનો પ્રદેશની ટીમને આદેશ કર્યો હતો. બેઠક દરમિયાન અમિત શાહે આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે, અમે કોઈની નારાજગી દૂર કરવા કે કોઈને મનાવવા માટે નથી બેઠાં, અપેક્ષા વગર ઈમાનદારીથી સોંપાયેલું કામ કરો પક્ષને યોગ્ય લાગશે તો પદ પણ આપશે. શાહે કહ્યું કે, લોકસભાની ૨૬ બેઠકોમાંથી એક પણ બેઠક ગુમાવવાની નથી.
હિંદુત્વના શરણે
રાજ્યમાં વકરતા જાતિવાદને લઈને ભાજપ ચિંતિત જણાયું હોવાનું સૂત્રોનું કહેવું છે. તેથી લોકસભાની ચૂંટણી પહેલાં જાતિવાદને નાથવા માટે હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવીને દલિત, ઓબીસી અને સવર્ણોને સાથે લેવા યોજના ઘડવાની સૂચના અમિત શાહે આપી હતી.
સંઘના સભ્યો સાથે બેઠક
અમિત શાહે સંઘના ત્રણ સભ્યો ચિંતન ઉપાધ્યાય, યશવંત ચૌધરી અને હસમુખ પટેલ સાથે અલગથી બેઠક કરી હતી. લગભગ અડધો કલાકની બેઠકમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને અન્ય હાજર હતા, પરંતુ નીતિન પટેલને બેઠકમાં હાજર રખાયા હતા.
યેદીયુરપ્પા અમદાવાદ આવ્યા
૨૫મી જૂને શાહે પોતાના થલતેજ સ્થિત બંગલેથી બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. કર્ણાટકમાં પૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પા પણ કર્ણાટકથી ખાસ અમિત શાહને મળવા અમદાવાદ આવ્યા હતા.
કર્ણાટકમાં માજી મુખ્ય પ્રધાન અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યેદીયુરપ્પા વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. તેઓને શા માટે એકાએક આવવું પડયું તેની કોઈ જ સ્પષ્ટતા ભાજપ દ્વારા કરાઈ નથી. જ્યારે જે ચર્ચા થઇ રહી છે તે પ્રમાણે કોંગ્રેસ સમર્થનવાળી જનતાદળની સરકારને ઉથલાવવા માટે મંજૂરી માગવા આવ્યા હતા કેમ કે કોંગ્રેસનાં જ કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો સતત ભાજપનાં સંપર્કમાં છે તેઓ ભાજપમાં આવવા પણ તૈયાર છે. સમગ્ર ઓપરેશન કઇ રીતે પાર પાડવું તેનું માર્ગદર્શન માગવા જ તેઓ અહીં આવ્યા હતા. અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ યેદીયુરપ્પા પરત કર્ણાટક જવા રવાના થઇ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter