વડોદરાઃ જાણીતા સહિયર (સ્ત્રી સંગઠન)ના સ્થાપકોમાંના એક, નારીવાદી કાર્યકર ડો. તૃપ્તિ શાહનું ૨૬મી મેએ રાત્રે અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર બીજા દિવસે વડોદરામાં કરવામાં આવ્યા હતા. સ્વ. તૃપ્તિ શાહને છેલ્લા દોઢ વર્ષથી ફેફસાંનું કેન્સર હતું. નાદુરસ્ત હોવા છતાં તેઓ સતત કર્મશીલ તરીકે પોતાનું કાર્ય કરી રહ્યાં હતાં. તૃપ્તિબહેનની છેલ્લા ૧૫ દિવસથી તબિયત વધુ બગડતાં તેઓ પોતાના કાર્યમાં સક્રિય રહી શકયા નહોતાં. છેલ્લા ૩૫ વર્ષથી સ્ત્રીઓના અધિકારો માટે સતત કામ કરતાં સંગઠન તરીકે ગુજરાત અને ભારતમાં જાણીતા એવા સહિયર (સ્ત્રી સંગઠન)ની શરૂઆત કરનારાઓમાંના તેઓ એક હતાં. બહેનો માટેની હોસ્ટેલ, વિસ્થાપિતોનો મુદ્દો હોય કે પર્યાવરણનો, કોમવાદમાં સ્ત્રીઓની પરિસ્થિતિ હોય દરેક આંદોલનમાં સ્ત્રીઓની પરિસ્થિતિ અને દૃષ્ટિકોણ સમજીને ઉજાગર કરવાનું તેઓ ચૂક્યા નથી.


