નિખિલ ગુપ્તાને ગુજરાતમાં કેસ રદ કરવાની ખાતરી મળતાં પન્નુની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું

અમેરિકાનું આરોપનામુંઃ ગુપ્તાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી

Tuesday 05th December 2023 11:54 EST
 
 

ન્યૂ યોર્કઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો કથળીને તળીયે પહોંચ્યા છે ત્યારે અમેરિકાની ભૂમિ પર ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં અમેરિકન સરકારે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
અમેરિકાનું કહેવું છે કે પન્નુની હત્યાનું કાવતરું ઘડવા માટે ભારત સરકારના અધિકારીએ નિખિલ ગુપ્તાને નિર્દેશ આપ્યા હતા. નિખીલ ગુપ્તા ગુજરાતમાં તેની સામેના ગુનાઈત કેસ રદ થવાના બદલામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડવા તૈયાર થયો હોવાનો પણ અમેરિકાએ આક્ષેપ કર્યો છે. અમેરિકાના આ આક્ષેપને ભારત સરકારે નકારી કાઢ્યા છે અને અગાઉથી જ આ મુદ્દે તપાસ સમિતિ બનાવી હોવાનું કહ્યું છે.

અમેરિકાનું ગુપ્તા સામે આરોપનામું
ન્યૂ યોર્કમાં અમેરિકન વકીલ ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘નિખિલ ગુપ્તાએ અમેરિકાની ભૂમિ પર ભારતીય-અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નિખિલ ગુપ્તાએ ભારત સરકારના અધિકારીને નિર્દેશ આપ્યા હતા. ભારતીય અધિકારી અને નિખિલ ગુપ્તાએ મે 2023માં આ કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું.’
આરોપનામામાં વધુમાં જણાવાયું છે કે ભારતીય અધિકારીએ માત્ર ખાલિસ્તાન સમર્થક જ નહીં અન્ય અનેક લોકોની હત્યાનું કામ સોંપ્યું હતું. પન્નુની હત્યાના કાવતરાંના બદલામાં ગુપ્તા સામે ગુજરાતમાં ચાલતા ગુનાઈત કેસો રદ કરી દેવાની ખાતરી અપાઈ હતી. ભારતીય અધિકારીએ ગુપ્તાને કહ્યું હતું કે હવે તેને ગુજરાત પોલીસમાંથી કોઈ પરેશાન નહીં કરે. અધિકારીએ ગુપ્તાને ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મુલાકાત કરાવવાની ઓફર કરી હતી.
આરોપનામામાં પન્નુના નામનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આરોપનામામાં દાવો કરાયો છે કે ભારતમાંથી પંજાબને અલગ દેશ કરવાની અમેરિકામાંથી ચળવળ ચલાવનાર અને ભારત સરકાર વિરુદ્ધ વારંવાર નિવેદનો કરનારની હત્યાનું કાવતરું ઘડાયું હતું. તેથી સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ ખાલિસ્તાની આતંકી પન્નુ જ છે. વધુમાં આરોપનામામાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી અને પન્નુના સાથી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ છે.
ભારતીય અધિકારીના નામનો ઉલ્લેખ ટાળ્યો
જોકે, અમેરિકન તપાસ એજન્સીઓને આ ભારતીય અધિકારી કોણ છે તેની માહિતી હોવા છતાં આરોપનામામાં ભારતીય અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેને માત્ર ‘સીસી-1’ તરીકે ઓળખાવાયો છે. વધુમાં આરોપનામામાં જણાવાયું છે કે ભારતીય અધિકારીએ પન્નુની હત્યા માટે ગુપ્તા મારફત અમેરિકામાં જે વ્યક્તિને કામ સોંપ્યું હતું તેને એક લાખ ડોલર આપવાની તૈયારી બતાવી હતી અને 15,000 ડોલર એડવાન્સ પણ આપ્યા હતા.
જોકે, ગુપ્તાએ જેને પન્નુની હત્યાનું કામ સોંપ્યું હતું તે અમેરિકન સરકારનો અન્ડરકવર એજન્ટ હતો. તેથી આ કાવતરું નિષ્ફળ ગયું હતું. અમેરિકન સરકારની સૂચનાના આધારે ચેક ગણરાજ્યમાંથી ગુપ્તાની 30 જૂને ધરકડ કરાઈ હતી અને તેને અમેરિકા લવાયો છે. આ ગુપ્તા પર ગુજરાતમાં નાર્કોટિક્સ અને ડ્રગ્સનું રેકેટ ચલાવવા બદલ કેસ થયો હોવાનો દાવો કરાયો છે.

અમેરિકન ન્યાય વિભાગના આ નિવેદન પછી ભારતમાં ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં એક વ્યક્તિની હત્યાના કાવતરાંમાં ભારતીય નાગરિકની કથિત સંડોવણી ચિંતાજનક| છે અને સરકારી નીતિથી વિપરિત છે. અમેરિકા સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પર વાટાઘાટો સમયે અમેરિકાએ અમને આ અંગે કેટલીક માહિતી આપી હતી. આ માહિતીમાં ગૂનેગારો, બંદૂકધારીઓ, આતંકીઓ અને અન્ય કટ્ટરવાદી તત્વો વચ્ચે સાંઠગાંઠનો ઉલ્લેખ છે. અમે આવી માહિતીને ગંભીરતાથી લીધી છે. આ બાબતના બધા જ પાસાઓની તપાસ કરવા માટે અમે અગાઉથી જ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. તેના આકલનના આધારે આવશ્યક કાર્યવાહી કરાશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter