અમદાવાદઃ હાથીજણના ડીપીએસ (ઈસ્ટ)ના સંકુલમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકો પર થતા અત્યાચાર અને તેમને ગુમ કરવાના મુદ્દે ૨૭મી નવેમ્બરે જાહેર કર્યું કે અમારી મંજૂરી વિના કોઈપણ આશ્રમ છોડી શકશે નહીં. જોકે નિત્યાનંદ આશ્રમમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓનાં વાલીઓએ હેબિયસ કોપર્સની અરજી કરીને પોલીસ તપાસ વખતે આશ્રમમાં હાજર રહેવા માગ કરી હતી જોકે હાઈ કોર્ટે પોલીસ તપાસમાં હાજર રહેવાની અનુયાયી-વાલીઓની બેહૂદી માગને ફગાવીને આકરી ટીકા કરતાં આદેશ કર્યો હતો કે, પોલીસને સહકાર આપો. કાયદા મુજબ પોલીસને તપાસ કરવાનો હક છે. આ સાથે હાઈ કોર્ટે કડક આદેશ કર્યો હતો કે, હાઇ કોર્ટની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ આશ્રમ છોડીને જઈ શકશે નહીં.
બીજી તરફ આશ્રમની તપાસનો રેલો ડીપીએસ (ઈસ્ટ)ની માન્યતા સુધી પહોંચ્યો છે. આશ્રમમાં ગેરરીતિની વાતો સાથે સ્કૂલની પરવાનગી માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં બનાવટી એનઓસી રજૂ કરવાના કેસમાં ધરપકડથી બચવા કેલોરેક્સ ફાઉન્ડેશનના એમડી અને ચેરમેન મંજુલા પૂજા શ્રોફ તેમજ તત્કાલીન ટ્રસ્ટી હિતેન વસંત પહેલાં ૩૦મી નવેમ્બરે ભૂગર્ભમાં જતા રહ્યા પછી બીજી ડિસેમ્બરે બંનેએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે તેમની સામે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં કરાયેલી પોલીસ ફરિયાદ ખોટી છે અને તેમની સામે કોઇ ગુનો નોંધાઈ શકે એમ નથી.
જોકે અગાઉ મંજુલા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સીપાલ અનિતા દુઆ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. એ પછી હાથીજણ સ્થિત ડીપીએસ (ઇસ્ટ) સ્કૂલની માન્યતા સીબીએસઇ બોર્ડ રવિવારે રદ કરી હતી. ગુજરાત સરકારની બનાવટી એનઓસી રજૂ કરવા બદલ અને વિવિધ અનિયમિતતાને ધ્યાને લઇને શાળાની માન્યતા રદ થઈ હતી. જેના પરિણામે સ્કૂલમાં ભણતા ૮૦૦ વિદ્યાર્થીઓનાં ભાવિ અંગે સવાલો ઊભા થયાં છે.
ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૦માં યોજાનારી બોર્ડની પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી અંગે પણ સીબીએસઇ દ્વારા ટૂંકમાં નિર્ણય જાહેર કરાશે. ઉપરાંત ધોરણ.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી આસપાસમાં આવેલી સીબીએસઇ માન્યતા ધરાવતી અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાશે.
આજીવન કેદ સહિતની સજાના ગુના
વિવેકાનંદનગર પોલીસે પૂજા મંજુલા શ્રોફ સહિતના આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨બી અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કલમો હેઠળ જો ગુનો સાબિત થાય તો આરોપીને દસ વર્ષથી આજીવન કેદની સજા અને દંડ થઈ શકે તેમ છે.
ધરપકડથી બચવા ભૂગર્ભમાં
ડીપીએસ ઈસ્ટના સીઆઈઓ મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીઓની પૂછપરછ માટે ૩૦મી નવેમ્બરે જ્યારે તેમના ઘરે પહોંચી તો ત્રણેય ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલ હતા. પોલીસે સ્કૂલના સ્ટાફ તેમજ અન્ય સાક્ષીઓનાં નિવેદનો લીધાં હતાં.
પોલીસે ૨૦૦૯થી ૨૦૧૨ સુધીમાં ડીપીએસ (ઈસ્ટ)ની જમીન, નિત્યાનંદ આશ્રમ અને શાળાકીય બાબતો અંગે તપાસ આદરીને ખુલાસા માગ્યા છે. પોલીસે
આ મામલે હિરાપુર ગામના તલાટીનું પણ નિવેદન નોંધ્યું હતું.