નિર્વિવાદ અને સદા હસમુખા નીતિનભાઇ

Wednesday 10th August 2016 10:06 EDT
 
 

અમદાવાદઃ કોઇ પણ વિવાદમાં આવ્યા વગર ત્રણ દસકાથી ભાજપમાં જોડાયેલા હસમુખા નીતિનભાઇ પટેલ પક્ષ માટે કામગીરી કરી રહ્યાં છે. જોકે તેમના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેમણે તેમના પરિવારને હંમેશા ગાંધીનગરથી દૂર રાખ્યો છે. અંબા માતાના પરમ ભકત એવા ૬૦ વર્ષના નીતિનભાઇના જીવનની કેટલીક રસપ્રદ વાત.

• નીતિન રતિલાલ પટેલનો જન્મ ૨૨મી જૂન, ૧૯૫૬ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો.
• નીતિનભાઇ પટેલના પત્નીનું નામ સુલોચનાબેન પટેલ છે. તેમના બે દીકરા જૈમિન અને સની.
• નીતિનભાઇ પટેલ ૧૯૭૫ની સાલમાં સી. એન. કોલેજમાંથી સેકન્ડ યર બી.કોમ.નો અભ્યાસ કર્યો છે.
• કોલેજના સમયથી સ્ટુડન્ટ લીડર તરીકે સક્રિય હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારની શાખાઓમાં નિયમિત જતા હતા.
• નીતિનભાઇ પટેલ વર્ષોથી સફેદ સફારી જ પેહરે છે. આ સફારી તેઓ અમદાવાદમાં આવેલી જાણીતી કપડાંની દુકાનથી લે છે. મુખ્ય પ્રધાન પદે વરણી થતાં જ તેમના પરિવારે તેમને શપથ વિધિ માટે નવી સફેદ કલર સિવાયની સફારી સીવડાવાનું કહેતાં તેમણે ના પાડી દીધી.
• નીતિનભાઈના પિતા રતિલાલ પટેલ કડીના પ્રતિષ્ઠિત કપાસના વેપારી હતા. દેશવ્યાપી ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારે તેમને ત્યાં પણ દરોડા પડતા આઘાતથી તેમનું અવસાન થયું હતું. રતિલાલ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા.
• નીતિનભાઈ પટેલ જોડે કામ કરનારા અધિકારીઓમાં એમની છાપ એક ‘કરકસરવાળા’ પ્રધાન તરીકેની છે. અધિકારીઓ કહે છે કે નીતિનભાઈ હંમેશા બજેટ માટે નક્કી કરેલી રકમ કરતાં ઓછી રકમ જ ફાળવતા હોય છે. ઘણા લોકો તો એમને ‘કંજૂસ પ્રધાન’ પણ કહે છે.
• નીતિન પટેલ મહેસાણાના મજબૂત કડવા પાટીદાર નેતા છે. તેઓ વર્ષ ૧૯૮૮-૮૯માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ અમિત શાહની નજીક મનાય છે.
• વર્ષ ૨૦૧૨માં ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે નીતિન પટેલે જાહેર કરેલ કુલ મિલકત રૂ. ૭.૭૩ કરોડ હતી.
• વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૨ સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. છેલ્લાં ૩૦ વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.
• ૧૯૯૫માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન બન્યા. ૧૯૯૮ની સાલમાં કૃષિ, નાના અને મધ્યમ સિંચાઈ પ્રધાન બન્યા.
• નીતિન પટેલે ૧૯૯૯ થી ૨૦૦૧ની સાલ દરમિયાન મધ્યમ સિંચાઇ, રોડ અને બિલ્ડિંગ પ્રધાન તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ વર્ષ ૨૦૦૧થી ૨૦૦૨ના સમયગાળામાં મહેસૂલ વિભાગ પ્રધાન રહી ચૂકયા છે.
• નીતિન પટેલે ૨૦૦૮થી ૨૦૧૨ સુધી નાણાં, આરોગ્ય, પાણી પુરવઠા અને શહેરી વિકાસ પ્રધાન તરીકે ફરજ બજાવી. ત્યારબાદ તેમણે ૨૦૧૨થી આરોગ્ય પ્રધાન તરીકે સેવા આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter